Breaking News :
દ્વારકામાં આસો સુદ પૂર્ણિમાએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા ગુવાહાટીમાં હોટેલ બિલાસ ઇનમાં ગોળીબાર: એક જ પરિવારના 5 સભ્યોના મોત, પિસ્તોલ સાથે એક પકડાયો સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો કરી સરકારે 100 ટકા એથનોલથી ચાલતાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને મંજૂરી આપી ભ્રામક જાહેરાત બદલ બ્રિટાનિયાને 1 લાખનો દંડ: 100%ના બદલે 62% જ ઘઉં નીકળતાં પ્રચાર હટાવવા આદેશ સશસ્ત્ર દળોની તાકાત વધારવા 2.12 લાખ કરોડના સોદાને લીલી ઝંડી, 82% હથિયારો સ્વદેશી હશે બંગાળની ખાડીમાં 'અર્નબ' વાવાઝોડાનું સંકટ: આંધ્ર-ઓડિશા એલર્ટ પર, સાઉથ કોસ્ટ રેલવેએ 53 ટ્રેનો રદ, વોર રૂમ શરૂ કરી સુરક્ષા વધારી

AI ખર્ચ સરભર કરવા માઈક્રોસોફ્ટનો મોટો નિર્ણય: ભારત સહિત 4 દેશોના 60,000 કર્મચારીઓને સ્વૈચ્છિક રાજીનામાની ઓફર

October 27, 2026

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી પાછળ થઈ રહેલા જંગી ખર્ચને સંતુલિત કરવા માટે વિશ્વની અગ્રણી ટેક કંપની માઈક્રોસોફ્ટે મોટો નિર્ણય લીધો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, કંપનીએ ભારત, અમેરિકા, યુકે અને કેનેડામાં કામ કરતા આશરે 60,000 પાત્ર કર્મચારીઓ માટે સમય-મર્યાદિત સ્વૈચ્છિક રાજીનામાની ઓફર કરી છે. આ 'વોલન્ટરી બાયઆઉટ' પ્રોગ્રામ હેઠળ માઈક્રોસોફ્ટના વૈશ્વિક સ્ટાફના 25 ટકાથી વધુ હિસ્સાને આવરી લેવામાં આવી શકે છે. કંપની ટૂંક સમયમાં જ પાત્ર કર્મચારીઓને નાણાકીય અને સંસ્થાકીય સહાય સાથે બહાર નીકળવાના વિકલ્પની વિગતો મોકલી આપશે.

આ પ્રોગ્રામમાં ચારેય દેશોની ભાગ લેતી ટીમોમાં લેવલ 70 અને તેનાથી નીચેના હોદ્દા ધરાવતા કર્મચારીઓને જ પાત્ર ગણવામાં આવ્યા છે. જેનાથી કંપનીના AI એક્સપિરિયન્સ, કોપાયલટ, ફાઇનાન્સ, હ્યુમન રિસોર્સિસ, એક્સબોક્સ તેમજ વિન્ડોઝ અને ડિવાઇસીસ જેવા વિભાગોને અસર થશે. બીજી તરફ, માઈક્રોસોફ્ટે માર્કેટિંગ, કોમર્શિયલ બિઝનેસ અને સાયબર સિક્યોરિટી ટીમોને આ પ્રક્રિયામાંથી સંપૂર્ણપણે બાકાત રાખી છે.

માઈક્રોસોફ્ટ સહિતની ગ્લોબલ ટેક કંપનીઓ હાલમાં ડેટા સેન્ટર્સ, અદ્યતન ચિપ્સ અને સર્વર્સ પાછળ મોટા પાયે મૂડીરોકાણ કરી રહી છે. વર્ષ 2026 માટે કંપનીએ અંદાજે 175 અબજ ડોલરના મૂડીખર્ચની આગાહી કરી હોવાથી રોકાણકારોમાં અપેક્ષિત વળતર અંગે ચિંતા વ્યાપી છે. આથી, ભવિષ્યના વળતરના અસમંજસ વચ્ચે કંપની અન્ય ક્ષેત્રોમાં ખર્ચ ઘટાડીને આર્થિક સંતુલન જાળવવાનો સઘન પ્રયાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, 30 જૂન 2026ના વાર્ષિક ફાઇલિંગ અનુસાર માઈક્રોસોફ્ટમાં વૈશ્વિક સ્તરે કુલ 223,000 ફુલ-ટાઇમ કર્મચારીઓ કાર્યરત હતા. અગાઉ આ જ વર્ષે અમેરિકામાં 9,000 કર્મચારીઓ માટે આવો જ સ્વૈચ્છિક નિવૃત્તિ પ્રોગ્રામ જાહેર કરાયો હતો. આ ઉપરાંત, જુલાઈમાં કંપનીએ 5 ગેમિંગ સ્ટુડિયો વેચવાની યોજના અને એક્સબોક્સ ગેમિંગ બિઝનેસના પુનર્ગઠનના ભાગરૂપે તેના વૈશ્વિક વર્કફોર્સમાંથી આશરે 2.1 ટકા એટલે કે 4,800 જેટલી નોકરીઓ કાપવાની પણ જાહેરાત કરી હતી.