મસ્કે ઈતિહાસ રચ્યો, દુનિયામાં 700 અબજ ડૉલર નેટવર્થ ધરાવતી પ્રથમ વ્યક્તિ

December 21, 2025

749 અબજ ડૉલર સુધી પહોંચી મસ્કની સંપત્તિ

ન્યુ યોર્ક ઃ અત્યાર સુધી દુનિયાના નંબર-1 અમીરનો તાજ પોતાના સિરે સજાવનાર ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક પર પૈસાનો એવો વરસાદ થયો કે, તેમણે ઈતિહાસ રચી દીધો છે. જી હા, તેમની નેટવર્થ એક જ ઝટકે 700 અબજ ડૉલરની પાર નીકળી ગઈ છે અને આટલી સંપત્તિવાળા દુનિયાના તે પહેલાં માણસ બની ગયા છે. ઈલોન મસ્કની નેટવર્થમાં આ ઉછાળો ત્યારે આવ્યો જ્યારે ડેલાવેયર સુપ્રીમ કોર્ટે ટેસ્લાના સ્ટૉકને લઈને મસ્કના પક્ષમાં ચુકાદો આપ્યો. 


ફોર્બ્સ બિલેનિયર્સ ઇન્ડેક્સ અનુસાર, ઈલોન મસ્કની નેટવર્થ 749 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ છે. ડેલાવેયર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સંપત્તિમાં આવેલા આ ઉછાળા સાથે ઈલોન મસ્કે દુનિયામાં 700 અબજ ડૉલરની સંપત્તિનો આંકડો પાર કરનારા પહેલા વ્યક્તિ બનીને ઈતિહાસ રચી દીધો છે. કોર્ટનો આ નિર્ણય ઈલોન મસ્કના 2018ના પે-પેકેજ સંબંધિત છે, જેને લોઅર કોર્ટે સમજની બહાર જણાવીને રદ કરી દીધો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે તેને ખોટું જણાવ્યું. 

રિપોર્ટ અનુસાર, ઈલોન મસ્કનું સેલરી પેકેજ 56 અબજ ડૉલરનું હતું, જેને ડેલાવેયર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પુનઃસ્થાપિત કરવાનો આદેશ કર્યો. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, આ પેકેજ રદ કરવાનો 2024નો નિર્ણય મસ્ક માટે અન્યાયપૂર્ણ હતો. 
છેલ્લા કેટલાક દિવસોથી ઈલોન મસ્ક પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. ગયા અઠવાડિયાની શરૂઆતમાં, જ્યારે સમાચાર આવ્યા કે મસ્કની એરોસ્પેસ કંપની  SpaceXનો આઈપીઓ આવવાનો છે અને કંપની જાહેરમાં આવવાની તૈયારી કરી રહી છે, ત્યારે તેમની કુલ સંપત્તિ અચાનક ઝડપથી વધી ગઈ અને પહેલી વાર 600 અબજ ડૉલરને પાર કરી ગઈ. ત્યારબાદ, ટેસ્લાના સ્ટેકહોલ્ડર્સે મસ્ક માટે 1 ટ્રિલિયન ડૉલરના પગાર પેકેજને મંજૂરી આપી. બાદમાં, ડેલાવેયર સુપ્રીમ કોર્ટે 139 અબજ ડૉલરના ટેસ્લા સ્ટોક ઓપ્શન્સને પુનર્જીવિત કરવાનો ચુકાદો આપ્યો અને ફોર્બ્સના બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, ઈલોન મસ્કની કુલ સંપત્તિ શુક્રવારે મોડી રાત્રે 749 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ.