યુપીમાં 54 વર્ષથી બંધ મંદિરમાં પૂજા કરવા પહોંચેલા હિંદુઓ પર મુસ્લિમોનીપુષ્પવર્ષા

December 24, 2024

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર તાલુકામાં 54 વર્ષ જૂના ખંડેર હાલતમાં રહેલા મંદિરનું સોમવારે શુદ્ધીકરણ કરવામાં આવ્યું હતું. આ શિવમંદિર મુઝફ્ફરનગરના મુસ્લિમ-બહુલ વિસ્તારમાં આવેલું છે. સોમવારે આ મંદિરમાં પૂજા કરવા પહોંચેલા હિંદુ સમાજના લોકોનું ત્યાંના મુસ્લિમ સમાજના લોકો દ્વારા ફૂલવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

મંદિરનાં કપાટ ખૂલતાં જ જય શ્રીરામનાં સૂત્ર પોકાર્યાં હતાં. મુઝફ્ફરનગરના મોહલ્લા લદ્દાવાલામાં ઈ.સ. 1970માં બનેલું શિવમંદિર ખંડેર અવસ્થામાં જોવા મળ્યું હતું. 54 વર્ષથી બંધ શિવમંદિરને પુનઃ પ્રતિષ્ઠ કરવા માટે યોગ સાધના આશ્રામના મહંત યશવીર મહારાજે મંદિરના શુદ્ધીકરણની જાહેરાત કરી હતી. સોમવારે તેમણે મંદિરનું શુદ્ધીકરણ કર્યું હતું.

આ માટે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, વિસ્તારમાંના મુસ્લિમોએ પહેલાંથી જ કહી દીધું હતું કે તેઓ હિંદુઓની આસ્થાનું સન્માન કરે છે અને મંદિરમાં પૂજા-અર્ચના કરવા આવનાર લોકોનું સ્વાગત કરશે. મંદિરના શુદ્ધીકરણ પહેલાં શનિવારે મુફ્ફરનગરના ઉચ્ચ અધિકારીઓએ જે વિસ્તારમાં મંદિર છે ત્યાંના પ્રતિષ્ઠિત લોકો સાથે એક બેઠક કરી હતી, જેમાં તેમણે શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી.