મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત, ઘરમાં જ નજરકેદ રહેશે! સત્તા પર હજુ સૈન્યનો કબજો

May 01, 2026

મ્યાનમારના સૈન્ય શાસને સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કીને જેલમાંથી મુક્ત કરીને હવે નજરકેદ(હાઉસ અરેસ્ટ)માં રાખવાનો નિર્ણય કર્યો છે. મ્યાનમારના માહિતી મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા કરી છે કે, નૈ પિ તાવ જેલમાં સજા કાપી રહેલા 80 વર્ષીય સૂ કીની બાકીની સજાને હવે નજરકેદમાં ફેરવવામાં આવી છે. 80 વર્ષની વયે તેમની નબળી શારીરિક સ્થિતિ અને બૌદ્ધ ધર્મના પવિત્ર દિવસ 'કસૌન પૂર્ણિમા'ને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મંત્રાલયે જણાવ્યું છે. મ્યાનમારના રાજકારણમાં આ મહત્ત્વપૂર્ણ ફેરફાર એવા સમયે થયો છે જ્યારે સૈન્ય બળવાનું નેતૃત્વ કરનાર જનરલ મિન આંગ હ્લાઈંગને સંસદ દ્વારા હવે નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે. વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત કરવા અને દેશમાં સામાજિક શાંતિ સ્થાપવા માટે તેમણે લોકોને સામાન્ય માફી આપવાની ખાતરી આપી હતી. આ પ્રક્રિયાના ભાગરૂપે અગાઉ 17 એપ્રિલના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ વિન મ્યિંટને પણ અન્ય 4300થી વધુ રાજકીય કેદીઓ સાથે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.


મ્યાનમાર હાલમાં અત્યંત નબળી અર્થવ્યવસ્થા, વિનાશક ભૂકંપના પરિણામો અને આંતરિક વંશીય વિદ્રોહનો સામનો કરી રહ્યું છે. સૈન્ય શાસને વર્ષ 2021માં તખ્તાપલટ કરીને ચૂંટાયેલી સરકારને હટાવી દીધી હતી. સૂ કી પર અનેક ગંભીર આરોપો લગાવીને તેમને કુલ 33 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જે પાછળથી ઘટાડીને 22 વર્ષ અને 6 મહિના કરવામાં આવી હતી.