ગુજરાતમાં નબીરાઓ બેફામ : હવે રાજકોટમાં મોડી રાત્રે નબીરાએ 3ને ઉડાવ્યા, એકનું મોત, 2 ગંભીર

March 17, 2025

ગુજરાતમાં નબીરાઓ જાણે બેફામ બન્યા છે. છેલ્લાં ત્રણ દિવસમાં વડોદરા, ગાંધીનગર અને દમણમાં તેજ રફતારના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. ત્યારે રવિવારે રાત્રે ફરી રાજકોટમાંથી આવા જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. 

રાજકોટમાં રવિવારે રાત્રે 10 થી 11 વાગ્યાની આસપાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી કારે રસ્તે જતાં ત્રણ લોકોને કચડી નાંખ્યા હતાં. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે અને અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

રાજકોટમાં મોડી રાત્રે મવડી મેઇન રોડ ઉપર કાળભૈરવ દાદાના મંદિર પાસે ભારત પેટ્રોલપંપ નજીક ઋત્વિચ પટોળીયા નામના યુવકે અકસ્માત સર્જયો હતો. આ નબીરાએ પેટ્રોલ પૂરવા જતાં ડેરીના માલિક 69 વર્ષીય પ્રફુલ ઉનડકટ અને બાઇક પર સવાર આધેડ આયુષ ડોબરીયા અને તેમની સાથે 12 વર્ષની દીકરીને અડફેટે લીધા હતાં. 

તમામને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં, જેમાં સારવાર દરમિયાન વડીલ પ્રફુલ ઉનડકરનો મોત નિપજ્યું છે અને અન્ય બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. તબીબોના જણાવ્યા અનુસાર, 12 વર્ષની બાળકીને અકસ્માતના કારણે માથામાં હેમરેજ થયું છે.