નાંદેડ લોકસભા પેટાચૂંટણી બની હાઈપ્રોફાઈલ! ભાજપ પૂર્વ CMને મેદાને ઉતારવા તૈયાર

October 18, 2024

નાંદેડ : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની સાથે સાથે નાંદેડ લોકસભા પેટાચૂંટણી પણ યોજાવાની છે. આ માત્ર એક બેઠકની પેટાચૂંટણીને ભાજપ સામાન્ય લેવા નથી માંગતી.  અહીં મજબૂત ઉમેદવાર ઉભા રાખવાની તૈયારી કરી રહી છે.
મહારાષ્ટ્ર ભાજપના સૂત્રોનું કહેવું છે કે, પૂર્વ સીએમ અને રાજ્યસભા સાંસદ અશોક ચવ્હાણને પણ અહીંથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. પાર્ટીમાં તેમના નામ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. તેઓ થોડા મહિના પહેલા જ ભાજપમાં જોડાયા હતા અને તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. નાંદેડ તેમનો ગઢ માનવામાં આવે છે. અહીં તેમનો પ્રભાવ અને પાર્ટીની મોટી વોટ બેંક દ્વારા જીતશે તેવી આશા છે. જો તે જીતે છે તો રાજ્યમાંથી અન્ય નેતાને રાજ્યસભામાં મોકલી શકાય છે. કોંગ્રેસે આ બેઠક પરથી પૂર્વ સાંસદ વસંત ચવ્હાણના પુત્ર રવિન્દ્ર ચવ્હાણને ઉમેદવાર જાહેર કર્યા છે. તો આ બાજુ ભાજપને લાગે છે કે, રવિન્દ્ર ચવ્હાણને મેદાનમાં ઉતારીને કોંગ્રેસ વસંત રાવના નિધનથી ઉભી થયેલી સહાનુભૂતિનો ફાયદો મેળવી શકાશે. ત્યારે ભાજપ આ બેઠક પર જોરદાર લડત આપવાના મૂડમાં છે. અને એજ કારણસર  પૂર્વ સીએમને મેદાનમાં ઉતારવાની યોજના બનાવવામાં આવી રહી છે. અશોક ચવ્હાણ ઉપરાંત પૂર્વ સાંસદ પ્રતાપ પાટીલ ચિખલીકરનું નામ પણ ચર્ચામાં છે. અહીંની ચૂંટણીમાં કોંગ્રેસના વસંતરાવ ચવ્હાણે ભાજપના પ્રતાપ પાટીલ ચિખલીકરને 60 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. એટલે ભાજપને હવે લાગે છે કે અશોક ચવ્હાણને મેદાનમાં ઉતારવા જોઈએ. વ્યક્તિગત રીતે તેમને મેદાનમાં ઉતારવાથી ભાજપ અને તેના સમર્થકો સક્રિય થઈ શકે છે. જેના કારણે ડબલ તાકાત મળશે.