કુદરતનો કરિશ્મા: સાઉદીના રણમાં હિમવર્ષા, બરફની ચાદરથી ઢંકાયા પહાડો

December 21, 2025

રિયાધ: રણ પ્રદેશ તરીકે ઓળખાતા સાઉદી અરેબિયા અને કતારમાં હાલ કુદરતનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. સાઉદીના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થતા રેતાળ પ્રદેશ 'સ્નો વર્લ્ડ'માં ફેરવાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દ્રશ્યો જોઈને લોકો અચરજ પામી રહ્યા છે.

 સાઉદી અરેબિયાના તાબુક પ્રાંતમાં આવેલા પ્રસિદ્ધ 'જબલ અલ-લોઝ' (બદામનો પર્વત) પર બુધવાર અને ગુરુવારે જોરદાર હિમવર્ષા થઈ હતી. દરિયાઈ સપાટીથી 2,600 મીટરની ઊંચાઈએ આવેલા આ પહાડો પર બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે. તાપમાન શૂન્યથી નીચે સરકી જતાં ટ્રોજેના હાઈલેન્ડ્સ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

AI નહીં, વાસ્તવિક નજારો: બરફથી લદાયેલા રણના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર એટલા અદભૂત દેખાઈ રહ્યા છે કે ઘણા યુઝર્સ તેને AI દ્વારા જનરેટ કરેલા માની રહ્યા છે, પરંતુ સ્થાનિક હવામાન વિભાગે આ કુદરતી ફેરફારને વાસ્તવિક ગણાવ્યો છે. ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા હવામાનને કારણે રણ પ્રદેશમાં થયેલી આ કાયાપલટ ચર્ચાનો વિષય બની છે.