મહારાષ્ટ્રમાં નવાજૂનાના એંધાણ! NCPમાં વિખવાદ વચ્ચે અજિત અને શરદ પવાર વચ્ચે થઈ મુલાકાત

November 10, 2023

બંને નેતાઓની મુલાકાત પ્રતાપ પવારના પુણેના બાનેરમાં ઘરે થઈ હતી
અજિત પવારે NCPમાંથી બળવો કર્યા બાદ પોતાનું એક અલગ જ જૂથ બનાવી લીધુ છે અને ત્યારબાદથી જ કાકા-ભત્રીજા સતત ચર્ચામાં રહે છે ત્યારે હવે બંને નેતાઓની ફરી એકવાર મુલાકાત થતા મહારાષ્ટ્રમાં નવાજૂનાના એંધાણ થઈ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. 
દિવાળીના અવસરે અજિત પવાર અને શરદ પવારની મુલાકાત શરદ પવારના ભાઈ પ્રતાપ પવારના ઘરે થઈ હતી. પ્રતાપરાવ પવારનું નિવાસસ્થાન પુણેના બાનેરમાં છે. આ સ્થળે શરદ પવાર, અજિત પવાર સહિત પવાર પરિવારના મોટાભાગના લોકો હાજર રહ્યા હતા. આ મુલાકાત બાદ અજિત પવાર તરત જ દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. મુલાકાત દરમિયાન રાજ્યની સ્થિતિ પર ચર્ચા થવાની શક્યતા છે. સુત્રોમાંથી મળતી માહિતી વિગત મુજબ રાજ્યમાં આરક્ષણનો મુદ્દો ગંભીર છે જેના પર ચર્ચા થયાની સંભાવના છે.


આજે સવારે રાજ્યના સહકાર મંત્રી દિલીપ વલસે પાટીલ પણ શરદ પવારને મળ્યા હતા. દિલીપ વાલસે પાટીલે કહ્યું હતું કે આ બેઠક રાયત એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટને લઈને હતી. વલસે પાટીલે કહ્યું શરદ પવાર સાથેની મારી મુલાકાત પૂર્વ આયોજિત હતી. મારી સાથે રાયત શિક્ષણ સંસ્થાનના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.