કલોલ નગરપાલિકામાં ઉકળતો ચરૂ, સમિતિઓના પદને લઈ 9 કોર્પોરેટરોએ રાજીનામાં ધર્યા

October 30, 2023

અગાઉ મનાવી લીધેલા કોર્પોરેટરોએ ફરીવાર રાજીનામું ધરી દેતા ડેમેજ કંટ્રોલની સ્થિતિ


કલોલઃ નગરપાલિકામાં કારોબારી સમિતિના ચેરમેનની નિમણૂકને લઈને ફરીથી ભાજપના કોર્પોરેટરોમાં અસંતોષ જોવા મળ્યો છે. ભાજપના નવ કાઉન્સિલરોએ ફરી પાલિકા પ્રમુખને રાજીનામાં આપી દીધા છે. બીજી તરફ ત્રણ નગરસેવકોએ વિવિધ સમિતિના ચેરમનપદેથી રાજીનામું આપી દીધું છે. પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના પદને લઈને કાઉન્સિલરોમાં અસંતોષ વ્યાપ્યો હતો. રાજીનામાને પગલે શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષની આબરૂનું ધોવાણ થયું છે. 
કલોલ નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી અસંતોષ હતો. સવા વર્ષ અગાઉ સમિતિઓના ચેરમેનની નિમણુક અને દબાણની કામગીરી દરમિયાન પણ પ્રમુખ બદલવા હિલચાલ થઇ હતી. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા પ્રમુખ તરીકે શૈલેશ પટેલની નિમણુક કરી છે. શૈલેશ પટેલ વિરુદ્ધ ભાજપના નગરસેવકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ચુંટણીના દિવસે જ નારાજ થયેલા નગરસેવકોએ નામ જાહેર થયા બાદ રાજીનામું આપી દીધુ હતું. ત્યારબાદ નારાજ નગરસેવકોને મનાવી લીધા હતા.જોકે તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવતા ફરી રાજીનામું આપ્યું છે.