નોરાની કાર સાથે બીજી કાર અથડાતાં માથામાં ઈજા

December 22, 2025

મુંબઈ: નોરા ફતેહી શનિવારે મુંબઈમાં સન બર્ન ફેસ્ટિવલમાં પરફોર્મ કરવા જઈ રહી હતી ત્યારે આંબોલી વિસ્તારમાં દારુ પીને કાર ચલાવતા એક કાર ચાલકે તેની કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં નોરા કારમાં આમથી તેમ ફંગોળાઈ હતી અને તેનું માથું બારી સાથે જોરથી અફળાયું  હતું. નોરાની ટીમ તેને તરત જ નજીકની હોસ્પિટલે લઈ ગઈ હતી. જ્યાં તેને મસ્તિકમાં સામાન્ય ઈજા થઈ હોવાનું કન્ફર્મ થયું હતું. તબીબોએ નોરાને આરામ કરવાની સલાહ આપી હતી જોકે, તે આ સલાહને અવગણીને સાઉથ મુંબઈમાં સન બર્ન ફેસ્ટિવલમાં ડીજે ડેવિડ ગુએટા સાથે તેનાં નિર્ધારિત પરફોર્મન્સ માટે પહોંચી ગઈ હતી. નોરાએ બાદમાં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેને સ્હેજ ઈજા, સોજા અને મસ્તિકમાં ઈજા થઈ છે પરંતુ પોતે બચી ગઈ એ જ મોટી વાત છે. આ મારી જિંદગીનો સૌથી ડરામણો અનુભવ હતો. તેણે કહ્યું હતું કે પોતે આ જ કારણોસર  ડ્રિંક એન્ડ ડ્રાઈવની હંમેશાં વિરોધી રહી છે. દરમિયાન મુંબઈ પોલીસે આ અકસ્માત સંદર્ભમાં વિનય સકપાલ નામના ડ્રાઈવરની ધરપકડ કરી હતી.