વિપક્ષના ગઠબંધનમાં કોંગ્રેસ નહીં? અખિલેશ યાદવ બંગાળ પહોંચ્યા

March 17, 2023

TMCના સાંસદે જણાવ્યું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાજપનો મુકાબલો કરવા તૈયાર
નવી દિલ્હી- લોકસભા ચૂંટણી-2024 પહેલા વિપક્ષી એકતાની કવાયત વચ્ચે એક નવો મોરચો બનતો જોવા મળી રહ્યો છે. એક તરફ બિહારના CM નીતિશ કુમાર તમામ વિપક્ષી પક્ષોને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો બીજી તરફ તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે પણ ભાજપ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. KCR સાથે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ મંચ શેર કરી ચુક્યા છે. તો હવે અખિલેશ પશ્ચિમ બંગાળ પહોંચી ગયા છે. અહીં તેમણે CM મમતા બેનર્જીના ભરપુર વખાણ કર્યા છે, તો તૃણમૂલ કોંગ્રેસે પણ બિન-કોંગ્રેસી ગઠબંધનના સંકેતો આપ્યા છે.


TMC સાંસદ સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાજપનો મુકાબલો કરવા તૈયાર છે. તેઓ શક્તિશાળી પ્રાદેશિક પાર્ટીઓ પાસે જશે અને ભાજપ સામે મુકાબલો કરવા માટે વાત કરશે. અમારી પાર્ટી પોતાના રસ્તે જ ચાલશે... અમે ભાજપ અને કોંગ્રેસથી અંતર રાખીને ચાલીશું.


સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે જણાવ્યું કે, દેશમાં દરેક વ્યક્તિ પરિવર્તન ઈચ્છે છે. દેશને જેટલું નુકસાન ભાજપે કર્યું છે, તેટલું અન્ય કોઈપણ પક્ષે ક્યારેય કર્યું નથી. તમને ચૂંટણી પહેલા એક મોરચો જોવા મળશે. હું સંપૂર્ણ આશા છે. તમે ફ્રન્ટ, ગઠબંધન અથવા એલાયન્સ.. કંઈપણ બોલી શકો છો.
કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ વચ્ચે મુલાકાત થઈ છે. આવી સ્થિતિમાં બંને પક્ષોના નિવેદનો નવા મોરચાની શરૂઆત તરફ ઈશારો કરી રહ્યા છે.