હવે ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે, ગેમિંગ બિલ લોકસભામાં પસાર

August 20, 2025

હવે દેશમાં ઓનલાઈન સટ્ટાબાજી દંડનીય ગુનો ગણાશે. લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર કરી દેવાયું છે. એવું કહેવાય છે કે, આ બિલને મંજૂરી મળ્યા પછી સરકાર ઓનલાઈન સટ્ટાને પ્રોત્સાહન આપતી એપ્સ અને તેનું માર્કેટિંગ કરનારી હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે. લોકસભામાં ભારે હોબાળા વચ્ચે ઓનલાઈન ગેમિંગ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેને મંજૂરી મળી છે. હવે રાજ્યસભામાં આ ઠરાવ પસાર કરવામાં આવશે.   

નવા બિલમાં અમુક ઓનલાઇન ગેમ્સને પ્રતિબંધિત કરવાની જોગવાઈઓ સામેલ છે. કુટેવ, નાણાકીય જોખમ અને સામાજિક અસરને પ્રોત્સાહન આપતી ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. વધુમાં સ્કિલ આધારિત ગેમ જેમ કે, ચેસ, ક્વિઝ, ઈ-સ્પોર્ટ્સે દર્શાવવાનું રહેશે કે, આ ગેમ સ્કિલ આધારિત છે કે તક આધારિત. દરેક પ્લેટફોર્મ પર કેવાયસી અને ડેટા પ્રોટેક્શન નિયમ લાગુ કરાશે. સગીરો માટે ટાઇમ લીમિટ, ખર્ચ મર્યાદા અને પેરન્ટલ કંટ્રોલ અનિવાર્ય રહેશે. તેમજ સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી બેટિંગ ગેમ્સ પર પ્રતિબંધ લાદવામાં આવશે.

વિવિધ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સના આશરે 22 કરોડ ભારતીય યુઝર્સ છે, જે પૈકી 11 કરોડ નિયમિત રીતે તેનો ઉપયોગ કરે છે. ભારતમાં ઓનલાઈન ગેમિંગનું માર્કેટ 3 અબજ ડૉલરથી વધુ છે. નવા કાયદાથી વાસ્તવિક કાર્યરત ગેમિંગ કંપનીઓને લાભ મળશે. તેમજ વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ વધશે. બિલ મંજૂર થયા બાદ ગેમિંગ ઇન્ડસ્ટ્રી એક કાયદાકીય માળખામાં કામ કરશે.

આ બિલનો ઉદ્દેશ ઈ-સ્પોર્ટ્સ, એજ્યુકેશન ગેમ્સ, અને સોશિયલ ગેમ્સ સહિત ઓનલાઈન ગેમિંગ સેક્ટરનું નિયમન તેમજ પ્રોત્સાહન આપવાનો છે. જે ગેરકાયદે અને સટ્ટાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી એપ્સ પર અંકુશો લાદી વાસ્તવિક રીતે કાર્યરત ગેમિંગ કંપનીઓને નિયમો હેઠળ કામ કરવાનું માળખુ પૂરુ પાડશે. સરકારી સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, ઓનલાઈન બેટિંગ ગેમ્સના માધ્યમથી દેશના 45 કરોડ લોકો રોજના રૂ. 20,000 કરોડ ગુમાવે છે. લોકસભામાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓનલાઈન ગેમિંગ બિલ રજૂ કર્યું હતું.