દુનિયામાં અનેક દેશોમાં ઓવર ટુરિઝમનો વિરોધ, હવે સ્પેનમાં ચાલુ થયું પ્રવાસીઓને ભગાડવાનું અભિયાન

July 10, 2024

તાજેતરમાં સ્પેનના બાર્સેલોના શહેરમાં એક ઘટના બની, જેણે દુનિયાભરના મીડિયાનું ધ્યાન ખેંચ્યું. ઘટના કંઈક એવી હતી કે બાર્સેલોનાના રહેવાસીઓએ એક વિરોધ રેલી કાઢી અને એ દરમિયાન બાર્સેલોના ફરવા આવેલા પ્રવાસીઓ પર પાણી છાંટ્યું. ના, પ્રેમપૂર્વક કે સ્વાગત કરવા નહીં. પ્રવાસીઓને બાર્સેલોના બહાર તગેડી મૂકવા માટે નગરવાસીઓએ જલાભિષેક કર્યો હતો. જો કે આ ખાલી સ્પેનની વાત નથી, દુનિયાના અનેક દેશોમાં ઓવર ટુરિઝમનો વિરોધ થઈ રહ્યો છે. ભારતની જ વાત કરીએ તો લદાખ અને બીજા અનેક પહાડી રાજ્યોમાં વધુ પડતા પ્રવાસનનો વિરોધ થઈ જ રહ્યો છે. આપણો નાનકડો પાડોશી દેશ ભુતાન તો ઈચ્છતો જ નથી કે અહીં વધુ પડતા પ્રવાસીઓ આવે અને પર્યાવરણની ઘોર ખોદે. તો આજે વાત કરીશું સ્પેનની. સ્પેનના બાર્સેલોના શહેરના લોકો પ્રવાસીઓના ટોળાથી કંટાળી ગયા છે. અહીં જે બે શહેરોમાં પ્રવાસીઓનો સૌથી વધુ ધસારો રહે છે એ છેઃ રાજધાની મેડ્રિડ અને બાર્સેલોના. 2011માં રિલિઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ઝિંદગી મિલેગી ના દોબારા’માં દેખાડેલું સ્પેન જોઈને ભારતીયોમાં સ્પેન ફરવા જવાનો ક્રેઝ જાગેલો. કંઈક એ જ પ્રકારે 2008 આવેલી ફિલ્મ ‘વિકી ક્રિસ્ટિના બાર્સેલોના’ દુનિયાભરમાં હિટ સાબિત થતાં પ્રવાસશોખીનોના ધાડેધાડા બાર્સેલોનાની મુલાકાતે જવા માંડ્યા હતા. જોકે, આ બંને ફિલ્મો આવી એ અગાઉ પણ સ્પેન ટુરિસ્ટો માટે હોટ ડેસ્ટિનેશન હતું જ. આટલા વર્ષો સુધી પ્રવાસીઓના ટોળાં ખમી લીધાં, પણ હવે સ્પેનવાસીઓની સહનશક્તિની જાણે કે હદ આવી ગઈ છે, અને ‘ઓવર ટુરિઝમ’ને વખોડતા તેઓ રસ્તા પર વિરોધપ્રદર્શન કરવા લાગ્યા છે. જેના ભાગરૂપે તાજેતરમાં એમણે બાર્સેલોનામાં પ્રવાસીઓ પર રમકડાંની બંદૂકથી પાણી છાંટીને ‘ટુરિસ્ટ્સ ગો હોમ’(પ્રવાસીઓ તમારા ઘરે પાછા જાવ)ના નારા લગાવ્યા હતા. વિરોધ કેટલો પ્રબળ હતો એ એના પરથી ખબર પડે છે કે વિરોધ-રેલીમાં સો-બસો-પાંચસો નહીં 2,800થી વધુ લોકો જોડાયા હતા.