પતંજલિએ મેન્યુ. લાઇસન્સ રદ થયું છે તેવી 14પ્રોડક્ટનું વેચાણ બંધ કર્યું

July 10, 2024

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડે મંગળવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે તેણે આ વર્ષે એપ્રિલમાં ઉત્તરાખંડ સ્ટેટ લાઇસન્સિંગ ઓથોરિટી દ્વારા જેમનું મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું તેવી 14 પ્રોડક્ટનું વેચાણ અટકાવી દીધું છે.

કંપનીએ જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચને કહ્યું હતું કે તેણે 5,606 ફ્રેન્ચાઇઝ સ્ટોર્સને આ પ્રોડક્ટ્સ પાછી ખેંચવા સૂચના આપી હતી. મીડિયા પ્લેટફોર્મ્સને પણ આ 14 પ્રોડક્ટની કોઈ પણ પ્રકારની જાહેરાતો પાછી ખેંચી લેવા સૂચના અપાઈ હતી. બેન્ચે પતંજલિ આયુર્વેદ લિમિટેડને બે અઠવાડિયાની અંદર એફ્ડિેવિટ દાખલ કરીને એમ જણાવવા આદેશ કર્યો હતો કે શું જાહેરાતો દૂર કરવા સોશિયલ મીડિયા મધ્યસ્થીઓને કરાયેલી વિનંતી સ્વીકારાઈ છે અને શું આ 14 પ્રોડક્ટની જાહેરાતો પાછી ખેંચી લેવાઈ છે?

બેન્ચે આ મામલે વધુ સુનાવણી 30 જુલાઈ સુધી મુલતવી રાખી હતી. સુપ્રીમ કોર્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA) દ્વારા કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી છે, જેમાં કોવિડ રસીકરણ અભિયાન અને આધુનિક દવાઓ સામે પતંજલિ દ્વારા અપપ્રચારનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અગાઉ ઉત્તરાખંડ સ્ટેટ લાઇસન્સિંગ ઓથોરિટીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે પતંજલિ અને દિવ્ય ફાર્મસીની 14 પ્રોડક્ટના મ્લાઇસન્સ તાત્કાલિક અસરથી રદ કરાયા છે.