નૈના દેવીના મંદિરેથી દર્શન કરી પાછા ફરતા શ્રદ્ધાળુઓની પિકઅપ વાન પલટી, 6 લોકોના દર્દનાક મોત

July 28, 2025

લુધિયાણામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હિમાચલ પ્રદેશનું તીર્થસ્થાન માતા નૈના દેવીના મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુથી ભરેલી પિકઅપ વાન પલટી જવાથી 6 લોકોના મોત થઈ ગયા છે. મોડી રાત્રે લુધિયાણા જિલ્લામાં મલેરકોટલા રોડ પર પિકઅપ વાને નિયંત્રણ ગુમાવી દીધુ હતું અને તે જગેડા નહેરમાં જઈને ખાબકી ગઈ હતી. આ  ભયંકર દુર્ઘટનામાં બે બાળકો સહિત 6 લોકોના મોત થઈ ગયા છે અને બે લોકો પાણીમાં તણાઈ ગયા છે જેમની હજુ સુધી કોઈ માહિતી મળી નથી. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ પાણીમાં તણાઈ ગયેલા લોકોની તલાશમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે માનકવાલ ગામના કેટલાક લોકો રાત્રે 10 વાગ્યા આસપાસ હિમાચલ પ્રદેશમાં માતા નૈના દેવી મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. પિકઅપ વાનમાં 24 લોકો સવાર હતા, જેના કારણે ગાડી ઓવરલોડ હતી. આ પિકઅપ વાન ખૂબ જ  સ્પીડમાં હતી અને એક વાહનને ઓવરટેક કરતી વખતે અચાનક તેણે કાબુ ગુમાવી દીધો અને સીધી નહેરમાં ખાબકી ગઈ.  દુર્ઘટના બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ગ્રામીણોએ  વિલંબ કર્યા વિના પાણીમાં  કૂદીને શ્રદ્ધાળુઓને બચાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો. ઘણા શ્રદ્ધાળુઓ પાણીમાં તણાઈ ગયા જ્યારે કેટલાક લોકોને સુરક્ષિત બહાર નીકળવામાં આવ્યા.  દુર્ઘટનાની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું હતું. પોલીસ  વહીવટી તંત્રએ ડાઈવર્સની મદદથી લાપતા લોકોની તલાશ શરૂ કરી દીધી છે. આજે સવાર સુધીમાં છ લોકોના મૃતદેહ નહેરમાંથી મળી આવ્યા છે, જેમાં બે બાળકો પણ સામેલ છે. ઘાયલોને સારવાર માટે લુધિયાણાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  લુધિયાણાના ડીસી હિમાંશુ જૈન, ખન્નાની એસએસપી જ્યોતિ યાદવ અને ધારાસભ્ય મનવીન્દર સિંહ ગ્યાસપુરા ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.  ડીસી હિમાંશુ જૈને કહ્યું કે, 'જગેડા પુલ પર આ દુર્ઘટના ઘટી હતી. પિકઅપ વાનમાં કુલ 24 લોકો સવાર હતા. પિકઅપનું સંતુલન ખોરવાઈ ગયું જેના કારણે તે નહેરમાં પલટી ગઈ હતી. બે લોકો હજુ પણ લાપતા છે જેમને શોધવામાં આવી રહ્યા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ઓવરલોડિંગના કારણે જ આ દુર્ઘટના સર્જાઈ છે. પોલીસે કેસ નોંધીને આ દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.'