ગુજરાતમાં વર્લ્ડકલાસ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા 5 લાખ કરોડ ખર્ચવાનું આયોજન

March 19, 2023

સુરત: મહાનગરપાલિકાના 174 કરોડ અને સુડાના 36 કરોડ મળી કુલ 210 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે નાણાંના અભાવે શહેરી વિકાસ અટકે નહી, સુવિધાઓના નિર્માણ ખોરંભે ન પડે તેવી કાર્યશૈલી રાજ્ય સરકારે અપનાવી છે.

વિવિધ યોજનાકીય ગ્રાંટ ફાળવવાની હોય કે બજેટમાં જોગવાઈ કરવાની હોય, સરકારે શહેરી વિકાસને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાતમાં વર્લ્ડકલાસ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા 5 લાખ કરોડ ખર્ચવાનું આયોજન છે.


સુરત-ઓલપાડ રોડ ઉપર જૂના સરોલી જકાતનાકા પાસે, જહાંગીરપુરા ખાતે આયોજિત સમારોહમાં વર્ચ્યુઅલી સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનએ શહેરોને સુવિધા અને સુખાકારીસભર બનાવવાની દિશા આપી છે. રાજ્ય અને દેશમાં એક પણ એવું સપ્તાહ નથી જતું, જેમાં વિકાસકામ થતા ન હોય. આપણા શહેરોનું વેલપ્લાન્ડ ડેવલપમેન્ટ થાય અને વિકાસની હરોળમાં વૈશ્વિક શહેરોની સમકક્ષ ઉભા રહે તેવું સુગ્રથિત આયોજન થઈ રહ્યું હોવાનું ઉમેર્યું હતું.


રાજ્યના વિકાસની સાથે શહેરીકરણ વધવું સ્વાભાવિક છે એ વાતનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આ વર્ષના કેન્દ્રીય બજેટમાં પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્વેસ્ટમેન્ટ પર ભાર મૂકી વડાપ્રધાનએ ‘સસ્ટેનેબલ સિટિઝ ઓફ ટુમોરો’નો વિચાર આપ્યો છે, જેને અનુસરીને રાજ્ય સરકારે શહેરી ક્ષેત્રોમાં ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ માટે બજેટમાં 37 ટકા વધારો સૂચવ્યો છે. દેશની વસ્તીના પાંચ ટકા હિસ્સો ધરાવતું ગુજરાત GDPમાં 9 ટકા યોગદાન આપી વિકાસનું રોલ મોડેલ બન્યું છે, ત્યારે નગરો-શહેરોમાં ઈઝ ઓફ લિવીંગ વધારવા માટેના  માટેના વિકાસ કામોને સતત વેગ આપી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.