G7 સંમેલનમાં PM મોદી અને ઋષિ સુનક મળ્યા, અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ

June 15, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીમાં ચાલી રહેલી G7 સમિટ દરમિયાન બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ દરમિયાન સુનકે પીએમ મોદીને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ બ્રિટનમાં યોજાનારી ચૂંટણી માટે સુનકને અભિનંદન પાઠવ્યા હતા. બેઠક દરમિયાન બંને નેતાઓ એકબીજાને ગળે લગાવતા પણ જોવા મળ્યા હતા. આ બેઠકમાં ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર અંગે ચાલી રહેલી વાતચીતની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આગામી મહિને યોજાનારી સામાન્ય ચૂંટણીની તૈયારી કરી રહેલા યુનાઇટેડ કિંગડમના લોકોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. બંને નેતાઓ વચ્ચે ભારત-યુકે 'રોડમેપ 2030'ની વ્યાપક સમીક્ષા થઈ હતી. વેપાર, સંરક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અને પરસ્પર હિતની પ્રાદેશિક અને બહુપક્ષીય બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે અવારનવાર ઉચ્ચ સ્તરીય રાજકીય દ્વિપક્ષીય બેઠકો થકી તમામ ક્ષેત્રોમાં પરસ્પર સંબંધો મજબૂત થયા છે.

બેઠક બાદ પીએમ મોદીએ X પર એક પોસ્ટ પણ શેર કરી. જેમાં તેણે લખ્યું છે કે તે ઈટાલીમાં બ્રિટિશ પીએમ ઋષિ સુનકને મળીને ખુશ છે. આ સંવાદ દરમિયાન, તેણે એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે આગળ લખ્યું કે ટેક્નોલોજી અને બિઝનેસ જેવા ક્ષેત્રોમાં પણ સંબંધોને ગાઢ બનાવવાનો અવકાશ છે. સંરક્ષણ ક્ષેત્રમાં સંબંધોને વધુ મજબૂત કરવા પર પણ ચર્ચા થઈ હતી.