આગામી T20 વર્લ્ડકપની તૈયારી શરૂ, 12 ટીમને મળી ડાયરેક્ટ એન્ટ્રી, બે દેશમાં થશે આયોજન

July 06, 2024

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે 29 જૂને ઈતિહાસ રચી દીધો હતો. તેમણે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ પહેલા ભારતીય ટીમે 2007માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. પરંતુ ચાહકો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. આગામી T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં રમાશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પાસે હવે આગામી વખતે પણ ટ્રોફી જીતવાની સુવર્ણ તક રહેશે. આ વખતની જેમ આગામી સિઝનમાં પણ 20 ટીમો ભાગ લેશે અને કુલ 55 મેચ રમાશે. આગામી વર્લ્ડ કપ સિઝન પણ 2024 જેવી જ રહેશે. તેનું ફોર્મેટ પણ આ જ રીતે રહેશે. આગામી વખતે પણ 5-5 ટીમોના 4 ગ્રુપ હશે. દરેક ગ્રુપમાંથી 2-2 ટીમ સુપર-8માં એન્ટ્રી કરશે. ત્યારબાદ સેમીફાઈનલ અને ફાઈનલ મુકાબલો થશે. આ પહેલા તમને જણાવી દઈએ કે, 2026 T20 વર્લ્ડ કપ માટે 12 ટીમો નક્કી થઈ ચૂકી છે. હવે માત્ર 8 ટીમોની રાહ જોવાઈ રહી છે. આગામી દોઢ વર્ષમાં આ 8 જગ્યાઓ માટે ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ રમાશે. ચાલો T20 વર્લ્ડ કપ 2026 અંગે તમામ વિગતો જાણીએ....
આ 12 ટીમોની ડાયરેક્ટ એન્ટ્રી : યજમાન હોવાના કારણે ભારતીય ટીમ અને શ્રીલંકાને ડાયરેક્ટ એન્ટ્રી મળી છે. જ્યારે બાકીની 10 ટીમોમાં T20 વર્લ્ડ કપ 2024 સુપર-8 રાઉન્ડમાંથી લેવામાં આવી છે. આ ટીમો અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ છે. આ રીતે કુલ 9 ટીમો થઈ ગઈ છે. જ્યારે બાકીની 3 ટીમો 30 જૂન સુધીની ICC T20 ટીમ રેન્કિંગ દ્વારા લેવામાં આવી છે. પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડ સુપર-8માં નથી પહોંચી શકી. પરંતુ T20 રેન્કિંગમાં સારી પોઝિશિનમાં હોવાના કારણે આ ત્રણેય ટીમોએ પણ 2026 T20 વર્લ્ડ કપમાં સ્થાન બનાવી લીધુ છે. પાકિસ્તાન સાતમા, ન્યુઝીલેન્ડ છઠ્ઠા અને આયર્લેન્ડ 11મા નંબર પર છે.