‘રાહુલ દ્રવિડને જાણીજોઈને હટાવાયો’, એબી ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો

September 02, 2025

ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ રાહુલ દ્રવિડે અચાનક જ રાજસ્થાન રોયલ્સના હેડ કોચ પદેથી રાજીનામું આપ્યા બાદ સાઉથ આફ્રિકાના ક્રિકેટર એબી ડિવિલિયર્સે મોટું નિવેદન આપ્યું હતું.  તેણે કહ્યું હતું કે દ્રવિડે ભલે નવી જવાબદારી લેવાની ના પાડી હતી, પણ એવુ લાગે છે કે તેને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. 

સાઉથ આફ્રિકાના ક્રિકેટર એબી ડિવિલિયર્સે તેની યૂટ્યૂબ ચેનલના લાઇવ સેશન દરમિયાન કહ્યું, 'ફૂટબોલ લીગમાં પણ એવું થાય છે કે જ્યારે ટીમ જીતી નથી શકતી ત્યારે કોચ અને મેનેજર પર દબાણ વધી જાય છે. પછી ટીમના માલિક નવો નિર્ણય લે છે. મને લાગી રહ્યું છે કે રાહુલ દ્રવિડને બહાર કરવામાં આવ્યો છે. કદાચ રાજસ્થાન આવનારી સિઝનમાં ફેરફાર કરવા ઈચ્છે છે. રાજસ્થાને છેલ્લી હરાજીમાં ઘણા સારા ખેલાડીઓને છોડી દીધા હતા. જેવી રીતે કે જોસ બટલર, એક-બે ખેલાડીઓને રિલીઝ કરવું ઠીક હોય છે પણ ઘણા ખેલાડીઓને એક સાથે જવા દીધા.' 

રાજસ્થાન રોયલ્સ દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું રાજસ્થાન રોયલ્સે કહ્યું કે, 'રાહુલ દ્રવિડને માળખાકીય સમીક્ષા હેઠળ એક મોટી જવાબદારી અને મોટું પદ પણ ઓફર કરાયું હતું તેમ છતાં તેમણે આ ઓફર સ્વીકારી નહોતી. હવે તેઓ 2026ની આઈપીએલ સિઝન અગાઉ જ ફ્રેન્ચાઈઝીથી અલગ થઇ ગયા છે. રાહુલ અનેક વર્ષોથી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલા રહ્યા છે. તેમના નેતૃત્વમાં અનેક ખેલાડીઓ નિખર્યા છે.'

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાએ 2024 T20 વર્લ્ડ કપ જીત્યા પછી રાહુલ દ્રવિડે પોતાનો કાર્યકાળ સમાપ્ત કર્યો હતો. દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ 17 વર્ષ પછી T20 વર્લ્ડ ચેમ્પિયન બની. આ પછી ઘણી ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે દ્રવિડને કોચ તરીકે તેમની ટીમમાં સામેલ કરવા માટે સ્પર્ધા થઈ. એક ફ્રેન્ચાઇઝીએ તેમને બ્લેન્ક ચેક પણ ઓફર કર્યો હતો, પરંતુ દ્રવિડ તેમની જૂની ટીમ રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલા રહ્યા.