પહલગામ આતંકી હુમલામાં અનાથ થયેલા 22 બાળકોની જવાબદારી લેશે રાહુલ ગાંધી, શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે

July 29, 2025

Rahul Gandhi: પાકિસ્તાન અને ભારત વચ્ચે પહલગામ આતંકવાદી હુમલા બાદ જોરદાર તણાવ જોવા મળ્યો હતો. સ્થિતિ એવી બની ગઈ હતી કે, બંને બાજુથી એકબીજા પર મિસાઇલ છોડવામાં આવી રહી હતી. જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. જોકે, હવે હાલ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક મોટી પહેલ કરી છે, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. હકીકતમાં રાહુલ ગાંધી એ 22 બાળકોને દત્તક લેવા જઈ રહ્યા છે, જેણે પાકિસ્તાન ગોળીબારમાં પોતાના માતા-પિતા ગુમાવ્યા હતા. 

આ વિશે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસ ચીફ તારિક હામિદ કર્રાએ કહ્યું કે, 'રાહુલ ગાંધી પૂંછના એ 22 બાળકોના શિક્ષણનો આખો ખર્ચ ઉઠાવશે જેણે પોતાના માતા-પિતા પાક. ગોળીબારમાં ગુમાવી દીધા છે. આ બાળકોના શિક્ષણ માટેનો પહેલો હપ્તો જાહેર કરી દેવાયો છે અને ગ્રેજ્યુએશન સુધી તેમની મદદ શરૂ રહેશે.'

મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધીએ આ વર્ષે મે મહિનામાં પૂંછની મુલાકાત લીધી હતી, તેમણે ત્યાં પોતાના સ્થાનિક નેતાઓને અપીલ કરી હતી કે, તે પ્રભાવિત બાળકોની એક યાદી તૈયાર કરે. ત્યારબાદ કાર્યકરો દ્વારા સરકારી રેકોર્ડ ખંગાળવામાં આવ્યા અને બાદમાં સરવે કરી એક લિસ્ટ તૈયાર કરવામાં આવી, જે રાહુલ ગાંધીને આપવામાં આવી હતી.