અમદાવાદના ફાર્મહાઉસમાં હાઈપ્રોફાઈલ રેવ પાર્ટી પર દરોડા, ફાર્મ હાઉસના માલિક અને NRI સહિત 16ની ધરપકડ

October 25, 2025

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ, રાજ્યમાં ઠેર ઠેર દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. આવો જ એક હાઈપ્રોફાઈલ કિસ્સો અમદાવાદના પોશ વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં શુક્રવારે મોડી રાત્રે ચાલતી રેવ પાર્ટી પર પોલીસે દરોડો પાડી 15થી વધુ લોકોને દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આઠ પુરુષો અને છ મહિલાઓ અને ફાર્મ હાઉસના માલિક મિલન પટેલ સહિત 16 લોકોની અટકાયત કરી છે. પાર્ટીના સ્થળેથી દારૂની બોટલો, હુક્કાનો સામાન અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી. દારૂ પાર્ટીમાં ઝડપાયેલા તમામને બોપલ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ સોલા સિવિલ મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર બોપલ પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદના શીલજ પાસે આવેલા ઝેફાયર ફાર્મહાઉસમાં એક હાઈપ્રોફાઈલ પાર્ટી ચાલી રહી છે, જેમાં શરાબ અને શબાબની છોળો ઉડી રહી છે. આ બાતમીના આધારે બોપલ પોલીસે મોડી રાત્રે ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો.