ગુજરાત સહિત સમગ્ર દેશમાં કરા સાથે વરસાદની આગાહી

March 15, 2023

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે અનેક વિસ્તારોમાં આગામી ચાર દિવસ કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અડધા ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. અમદાવાદમાં પણ સમી સાંજે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. શહેરના ઘાટલોડિયા, નારણપુરા, નવા વાડજ, અખબારનગર, સેટેલાઈટ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. આ સિવાય છોટાઉદેપુર, ભરૂચ, તાપી, દાહોદ અને ભાવનગરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. બીજી બાજુ હજુ પણ 4 દિવસ માવઠાની આગાહી કરાઈ છે.


આ સિવાય દેશમાં પણ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, આવનારાં દિવસોમાં ભારતનાં કેટલાક ભાગોમાં વરસાદની સાથે કરા પડવાની સંભાવના છે. હવામાન વિભાગે લોકોને ઘરની અંદર રહેવા, બારી-બારણાં બંધ રાખવા અને સંભવ હોય ત્યાં સુધી ટ્રાવેલિંગ ટાળવાનું સૂચન આપેલ છે.