સાઉદી અરબમાં દુર્લભ બરફવર્ષા અને ઠંડીની લહેર

December 23, 2025

રિયાધ : ધગધગતી ગરમી અને વિશાળ રણપ્રદેશ માટે જાણીતુ સાઉદી અરબ આ વર્ષે અસામાન્ય ઠંડીની મોસમનો અનુભવ કરી રહ્યું છે. દેશના મોટા હિસ્સામાં ભારે બરફવર્ષા, વરસાદ અને તાપમાનમાં ભારે ઘટાડાથી રહેવાસીઓ ઉત્સાહિત થવા સાથે સતર્ક પણ થયા છે. આ ઘટનાએ ફરી એકવાર જળવાયુ પરિવર્તનને કારણે મોસમમાં થતા અસાધારણ ફેરફાર વિશે ચિંતા જગાવી છે, જેના પરિણામ માટે વિશ્વના મોટાભાગના દેશો હજી તૈયાર નથી.

ઉત્તરી સાઉદી અરબના તાબુક પ્રાંતમાં પહાડી વિસ્તારો પર આશ્ચર્યજનક બરફવર્ષા થઈ જેનાથી જેબેલ અલ-લાવ્ઝના શિખરો સફેદ ચાદરથી છવાઈ ગયા. લગભગ ૨,૬૦૦ મીટરની ઊંચાઈ પર સ્થિત ટ્રોજન પણ બરફ અને હળવા વરસાદથી ઢંકાઈ ગયું. હૈલ ક્ષેત્ર,જેમાં હૈલ શહેરની આસપાસના વિસ્તારો સામેલ છે, ત્યાં પણ દુર્લભ બરફવર્ષા નોંધાઈ. કેટલાક સ્થાનોમાં સવારના સમયે તાપમાન શૂન્ય ડિગ્રીથી પણ નીચે ઉતરી ગયું, જેના કારણે ઊંચા વિસ્તારો બરફથી છવાઈ ગયા.

રાષ્ટ્રીય મોસમ કેન્દ્ર (એનસીએમ) અનુસાર રિયાધના ઉત્તરમાં અલ-મજમાહ અને અલ-ઘાટમાં પણ ભારે બરફવર્ષા થઈ, જ્યાં ખુલા મેદાનો અને ઊંચા સ્થાનો પર બરફ છવાઈ ગયો. ઠંડી હવાનો એક જથ્થો મધ્ય અને ઉત્તરી ક્ષેત્રોમાં પ્રવેશ્યો અને વરસાદના વાદળો સાથે ક્રિયાપ્રતિક્રિયા થઈ. હવામાન વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે હાલ તાપમાન ઓછુ રહેવાની સંભાવના છે. વ્યાપક વરસાદ પણ થયો, બિર બિન હરમાસ, અલ-અયિનાહ, અમ્માર, અલઉલા, શકરામાં હળવોથી મધ્યમ, જ્યારે રિયાધ, કાસિમ અને પૂર્વી ક્ષેત્રમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો.

પ્રશાસનના અધિકારીઓએ પૂરથી પ્રભાવિત ખીણોમાં સુરક્ષા અને સાવધાનીથી ગાડી ચલાવવાની સલાહ આપી. રાજધાનીમાં સ્કૂલોને ઓનલાઈન મોડમાં પરિવર્તિત કરાઈ. સોશિયલ મીડિયા પર બરફ આચ્છાદિત પહાડોની તસવીરો વાયરલ થઈ જેનાથી અલ-મજમાહ અને અલ-ઘાટમાં ભારે ભીડ જમા થઈ ગઈ.

એક તરફ હવામાન નિષ્ણાંતો આ ઘટનાને વાતાવરણની સ્થિતિનું પરિણામ ગણે છે, પણ આવી ઘટનાઓનું વધતુ પ્રમાણ જળવાયુ પરિવર્તન સામે પણ આંગળી ચીંધે છે. સંયુક્ત અરબ અમીરાતમાં અસામાન્ય ઠંડી અને વરસાદ, દક્ષિણ એશિયાઈ દેશોમાં રેકોર્ડ ગરમી, મધ્યપૂર્વના સુકા ક્ષેત્રોમાં પૂર, યુરોપ અને ઉત્તરી આફ્રિકામાં બરફવર્ષા, આ તમામ મોસમની અનિશ્ચિતતાનો સંકેત કરે છે. સાઉદીની આ બરફવર્ષા હાલના મહિનાઓમાં મોસમની પરિવર્તનશીલતા પર ચર્ચા જગાવી રહી છે.