બહુચરાજીમાં મંગળવારે ધરાવાશે રસ-રોટલીનો પ્રસાદ, હજારો માઈભક્તો લેશે લાભ

December 01, 2024

મહેસાણા : મહેસાણાના બહુચરાજમાં દર વર્ષની જેમ આ વખતે પણ મંગળવારે માઈભક્તોને રસ રોટલી અને અન્નકૂટનો પ્રસાદ વહેંચવામાં આવશે. હકીકતમાં, વલ્લભભટ્ટના માતાની ઉત્તરક્રિયા માટે જ્ઞાતિજનોએ રસ રોટલીનું ભોજન માગ્યુ હતું. જે માતાજીની કૃપાથી માગસર મહિનામાં રસ રોટલી ખવડાવવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી દર વર્ષે રસ રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. 


સામાન્ય રીતે માગશર મહિનામાં કેરી મળતી નથી. તેમ છતાં માતાજીના પરચા અને ચમત્કારોની કથા જીવંત રહે તેવા શુભહેતુથી બહુચરાજીમાં દર વર્ષની જેમ આ વર્ષે ત્રીજી ડિસેમ્બરે રસ રોટલીનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારે તમામ માઈભક્તો બહુચરાજીએ રસ રોટલી અને અન્નકૂટનો આનંદ લઈ શકશે. 

બહુચરાજી મંદિર ખાતે મંગળવારે સવારની આરતી બાદ વરખડીવાળા મંદિરે લાડુથી માતાજીનો ગોખ ભરવામાં આવશે. ત્યારબાદ 10 વાગ્યે મુખ્ય મંદિર, વરખવાડીવાળા મંદિરે વલ્લભભદ્રની ગાદીએ અન્નકૂટ ધરાવાશે. ત્યારબાદ સવારે 10 વાગ્યે મુખ્ય મંદિર, વલ્લભભદ્રની ગાદીએ અન્નકૂટ ધરાવવામાં આવશે. જેમાં 3100 લીટર કેસર કેરીનો રસ પણ ધરાવાશે.