રાજકોટમાં રવિશંકર પ્રસાદે કહ્યું- કેજરીવાલ ફ્રી સ્ટાઇલ લીડર છે

November 27, 2022

રાજકોટઃ ગુજરાતમાં જેમ-જેમ મતદાન નજીક આવી રહ્યું છે, તેમ-તેમ ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ગુજરાત ચૂંટણીના પ્રચાર માટે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં છે. આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, ભાજપની સરકાર 27 વર્ષથી છે. આ એન્ટીઇન્કબનસી નથી, પરંતુ પ્રો-ઇનકબનસી છે. તેમણે કહ્યું કે, રાજકોટમાં ગ્રીન ફિલ્મ એરપોર્ટ અને એમ્સ કેન્દ્ર સરકારે આપી છે.  ગુજરાત દેશમાં સ્ટાર્ટઅપ, આઇટીનું હબ બન્યું છે. રાજકોટમાં મેટ્રો સેવા શરૂ કરવા સંકલ્પ પત્રમાં આપ્યું છે. રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે મહત્વનું શહેર છે. 


રાજકોટમાં ભાજપના પ્રચાર માટે પહોંચેલા રવિશંકર પ્રસાદે કહ્યુ કે, કેજરીવાલ ફ્રી સ્ટાઇલ લીડર છે. જ્યાં ચૂંટણી હોય ત્યાં તે પહોંચી જાય છે. તેમણે કહ્યું કે, કેજરીવાલને ગુજરાતમાં એકપણ સીટ મળવાની નથી. તેમણે કહ્યું કે, દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન જેલમાં છે, તેમનું રાજીનામુ લેવામાં આવતું નથી. મોંઘવારી પર તેમણે કહ્યું કે યુક્રેન યુદ્ધને કારણે મોંઘવારી વધી છે. તેમણે કહ્યું કે, ભારત સિવાય દુનિયાના ઘણા દેશોમાં મોંઘવારી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મોંઘવારી જલદી નિયંત્રણમાં આવશે.