આઝમ ખાનને રાહત: ઉશ્કેરણીજનક ભાષણ મામલે કોર્ટે સજાના આદેશને રદ કર્યો

May 24, 2023

સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ ધારાસભ્ય આઝમ ખાનને મોટી રાહત મળી છે. આજે નીચલી અદાલતે ઉશ્કેરણીજનક ભાષણ મામલે સજાના આદેશને રદ કરી દીધો છે. આઝમ ખાન દ્વારા સજા વિરુદ્ધ સેશન કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. ઉશ્કેરણીજનક ભાષણનો આ એ જ કેસ છે જેમાં આઝમ ખાનનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યુ હતું અને તેમને ત્રણ વર્ષની સજા થઈ હતી. આઝમ ખાને આ સજા વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. બુધવારે આ મામલાની સુનાવણી સેશન કોર્ટમાં થઈ હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આઝમ ખાનને  ઉશ્કેરણીજનક ભાષણ આપવાના આરોપમાંથી મુક્ત કરી દીધા છે. કોર્ટે મેજિસ્ટ્રેટ ટ્રાયલની કોર્ટના નિર્ણયને રદ કર્યો હતો. કોર્ટે 70 પેજમાં આ મામલે પોતાનો ચુકાદો આપ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિર્ણયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સેશન્સ કોર્ટના નિર્ણયથી આઝમ ખાનને મોટી રાહત મળી છે પરંતુ તેમનું ધારાસભ્ય પદ પાછુ મળવા પર હજુ પણ શંકા છે. કારણ કે છજલૈત કેસમાં પણ મુરાદાબાદની કોર્ટે આઝમ ખાન અને તેના પુત્ર અબ્દુલ્લા આઝમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.