ઋચા ઘોષ સ્ટાર ક્રિકેટર બની DSP, ફાઈનલમાં જેટલા રન બનાવ્યા એટલા લાખનો ચેક મળ્યો

November 09, 2025

ભારતે તાજેતરમાં જ ICC મહિલા વનડે વર્લ્ડ કપ 2025 જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ ભારતીય મહિલા ટીમની પ્રથમ ICC ટ્રોફી હતી. વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહેલી વિકેટકીપર ઋચા ઘોષ DSP બની ગઈ છે. તેને પશ્ચિમ બંગાળમાં માનદ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) નિયુક્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારે તેને પ્રતિષ્ઠિત બંગ ભૂષણ એવોર્ડથી પણ સન્માનિત કરી છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)એ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ઋચા માટે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હાજરી આપી હતી.


શનિવારે યોજાયેલા સન્માન સમારોહમાં 22 વર્ષીય ઋચાને ગોલ્ડન બેટ આપવામાં આવી હતી. આ સાથે જ તેને 34 લાખ રૂપિયાનો ચેક પણ મળ્યો હતો. તેણે દક્ષિણ આફ્રિકા સામે ફાઈનલમાં 24 બોલમાં 34 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા. ભારતે 298/7 નો સ્કોર કરીને 52 રનથી ટાઈટલ મેચ જીતી હતી. સન્માન સમારોહની શરૂઆત પરંપરાગત ઉત્તરીય, ફૂલો અને મીઠાઈઓ સાથે થઈ હતી, ત્યારબાદ મુખ્યમંત્રી મમતાએ ઋચાને ગોલ્ડન બેટ, બંગ ભૂષણ, એક સોનાની ચેઈન અને DSP નિમણૂક પત્ર સોંપ્યો હતો.