સતત 4 મેચ હારતાં ભડક્યો ઋતુરાજ ગાયકવાડ, જાહેરમાં CSKની ખામીઓ ગણાવી

April 09, 2025

પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સને IPL 2025ની 22મી મેચમાં 18 રનથી હરાવ્યું છે. આ મેચમાં મળેલી હાર CSKની વર્તમાન સિઝનમાં સતત ચોથી હાર રહી છે. હવે મેચમાં પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કર્યા બાદ CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ખૂબ ભડકી ગયો છે.  તેમણે પોતાની ટીમની સતત હાર બાદ ટીમની ખામીઓ ગણાવી છે. તેણે કહ્યું કે, ટીમ ખરાબ ફિલ્ડિંગના પરિણામો ભોગવી રહી છે. છેલ્લી કેટલીક મેચોમાં CSKએ સતત કેચ છોડી છે અને પંજાબ સામે પ્રિયાંસ આર્યની બીજા જ બોલ પર કેચ ડ્રોપ કરી હતી, જે ટીમ માટે ખૂબ મોંઘો સાબિત થયો. પ્રિયાંશે મેચમાં શાનદાર સદી ફટકારી હતી. સતત ચાર મેચ હાર્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે જણાવ્યું કે, અમે સારી ફિલ્ડિંગ ન કરી અને ઘણી કેચ ડ્રોપ કરી દીધી, જેના કારણે વધારાના રન પણ બન્યા હતા. ગાયકવાડે એમ પણ કહ્યું કે, પ્રિયાંશ આર્યએ શાનદાર બેટિંગ કરી છે, જેના માટે તેની જેટલી પ્રશંસા કરો એટલી ઓછી છે. આ સાથે જ તેણે એમ પણ કહ્યું કે, અહીં ટાર્ગેટમાં જો 10થી 15 રન ઓછા હોત તો અમે આ મેચ પોતાના નામે કરી શક્યા હોત, પરંતુ હવે અમારે આગામી મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની જરૂર છે.