રશિયાએ કીવમાં બાળકોની હોસ્પિટલ પર કર્યો હાઈપરસોનિક મિસાઈલ હુમલો, બાળકો સહિત 31ના મોત

July 09, 2024

રશિયા અને યૂક્રેન વચ્ચે બે વર્ષ કરતાં વધારે સમયથી ચાલી રહેલા યુદ્ધમાં રશિયન સેના સતત હુમલા કરતી રહે છે જેમાં યૂક્રેનનાં અનેક શહેરો ખંડેરોમાં ફેરવાયાં છે.સોમવારે રશિયન સેનાએ યૂક્રેનની રાજધાની કિવ પર મિસાઇલોથી હુમલો કર્યો હતો.

કિવની ચિલ્ડ્રન હોસ્પિટલ પર રશિયાના મિસાઇલ હુમલામાં સાત બાળકો સહિત 31 લોકોનાં મૃત્યુ થયાં છે અને 112 લોકો ઘવાયા છે.રશિયન સેનાએ કિવમાં બાળકોની હોસ્પિટલ પર હાઈપરસોનિક મિસાઇલોનો મારો કર્યો હતો. જેના પરિણામે આખી હોસ્પિટલ કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. જેની નીચે અનેક મૃતદેહો દટાયા છે. તેમને બહાર કાઢવા માટે રાહત કાર્ય શરૂ કરાયું છે.

અધિકારીઓનું કહેવું છે કે કાટમાળ નીચે જીવન શોધી રહ્યા છીએ. એકસાથે પાંચ શહેરોમાં રશિયાના ભારે મિસાઇલ હુમલાના પગલે અફડાતફડી મચી ગઇ હતી. યૂક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ કહ્યું કે રશિયાએ જુદા જુદા પ્રકારની મિસાઇલોથી પાંચ શહેરોને નિશાન બનાવ્યાં હતાં.