સુરતમાં નશો કરવા 20 રૂપિયા આપવાની ના પાડતાં સગીરની હત્યા, પરિવારે ગુમાવ્યો એકનો એક પુત્ર

April 15, 2025

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુંડારાજ, અસામાજિક તત્ત્વો અને નશેડી રાજ વધી ગયું છે. ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહ્યો નથી.. યુપી-બિહારની માફક ધોળેદહાડે લૂંટ, હત્યા અને છેડતીના કિસ્સાઓ બને છે. પોલીસ કાર્યવાહી થાય છે, સરકારી ચોપડે ક્રાઇમ રેટ ઘટે છે પરંતુ શહેરમાં નશાખોરો અને અસામાજિક તત્ત્વોની ગુંડાગર્દી વધતી જાય છે, ત્યારે સુરતમાં ફરી હચમચાવી દે એવી ઘટના સામે આવી છે. નશો કરવા માટે રૂપિયા આપવાની ના પાડતાં 17 વર્ષીય સગીરની ચપ્પાના ઘારી મારીને હત્યા કરી દેવામાં આવતાં સ્થાનિક સહિત શહેરમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય હોવાના દાવોઓ વચ્ચે સુરત શહેર અસુક્ષિત બન્યું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા અરવિંદભાઇ વાઘેલા મૂળ અમરેલીના માલસીકાના વતની છે. તેઓ પોતાના પરિવાર સાથે સુરતમાં રહે છે અને ફ્રૂટની લારી ચલાવી ગુજરાત ચલાવે છે. તેમનો એકનો એક પુત્ર પરેશ હીરાના કારાખાનામાં કામ કરીને પરિવારને આર્થિક મદદ કરતો હતો. 

ત્યારે સોમવારે રાત્રે પરેશ કારખાનેથી ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન પ્રભુ શેટ્ટી  (ઉં.વ.25 રહે. લક્ષ્મણ નગર સોસાયટી કાપોદ્રા)એ નશો કરવા માટે પૈસા માંગ્યા હતા. પરેશ કહ્યું હતું કે મારી પાસે માત્ર ભાડાના 10 રૂપિયા જ છે એમ રૂપિયા આપવાની ના પાડી હતી. જેથી પ્રભુએ તેની સાથે માથાકૂટ કરી પેટમાં ચપ્પુ ભોંકી દીધું હતું. પરેશને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક તેને સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. એટલું જ નહી આરોપી પ્રભુએ પરેશને ચપ્પાના ઘા માર્યા બાદ આગળ જઇને રીક્ષાચાલક સાથે માથાકૂટ કરી તેને પણ ચપ્પાના ઘા માર્યા હતા. હાલ રીક્ષાચાલક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.