ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપની એકતા જોઈ અમેરિકાના હોશ ઉડ્યાં

January 18, 2026

ન્યૂ યોર્ક ઃ ગ્રીનલેન્ડની ગડમથલ નાટો દેશો માટે અગ્નિ પરીક્ષા સમાન છે. કારણ કે નાટો જૂથના દેશ પર અમેરિકા સભ્ય હોવા છતાં મેલી નજર નાખી રહ્યું છે. હંમેશા અમેરિકાની પડખે ઊભા રહેતા યુરોપ દેશોના કડક વલણથી ડોનાલ્ડ ટ્રમ્પ સહિત દુનિયા પણ સ્તબ્ધ છે. જબરદસ્ત કૂટનીતિએ ફરી સાબિત કરી દીધું છે કે વૈશ્વિક રાજનીતિમાં યુરોપનો સામૂહિક અવાજનો દબદબો હજુ પણ યથવાત છે. અમેરિકા જેવા દેશોને પણ વિચારવા મજબૂર થવું પડ્યું છે. 


વેનેઝુએલામાં સ્થિતિ ડામાડોળ કર્યા બાદ ગ્રીનલેન્ડ પર કબજો જમાવવો અમેરિકા માટે નાની વાત છે તેવું કદાચ ડોનાલ્ડ ટ્રમ્પને લાગતું હતું. પણ વોશિંગ્ટન જ્યારે આક્રમણના મૂડમાં આવ્યું ત્યારે યુરોપિયન દેશોએ એક સૂરમાં કડક વિરોધ નોંધાવ્યો જેથી જગત જમાદાર કહેવાતા અમેરિકાને પણ પાછી પાની કરવી પડી. શું ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પે હવે ગ્રીનલેન્ડ મુદ્દે નમતું જોખ્યું છે કે પછી કોઈ વ્યૂહનીતિનો હિસ્સો છે. હાલના ઘટનાક્રમ પર નજર કરીએ તો ગ્રીનલેન્ડને લઈને અમેરિકાએ સૈન્ય અને વ્યૂહનૈતિક ગતિવિધઓ ખૂબ જ તેજ કરી દીધી હતી. એક તરફ ટ્રમ્પ સરકાર પોતાના પ્રભાવને વધુ મજબૂત કરવામાં માંગે છે. કેમ કે રશિયા અને ચીન જેવા તાકાતવર દેશોનું પ્રભુત્વ આર્કટિકમાં વધી રહ્યું છે. ગ્રીનલેન્ડ તેનું મુખ્ય કેન્દ્ર હોવાથી અમેરિકા તેને નિયંત્રણમાં લઈ દબદબો દાખવવા માંગે છે. પણ અમેરિકાનું આ વલણ યુરોપના દેશોને પસંદ પડ્યું નહીં, કેમ કે ગ્રીનલેન્ડ ડેનમાર્કનું સ્વાયત ક્ષેત્ર છે એટલા માટે જ આ મુદ્દો સીધો યુરોપીય દેશોની સંપ્રભુતા સાથે જોડાઈ ગયો.