સેન્સેક્સ અને નિફ્ટી ફરી પાછા તેજીમાં, 271 શેરોમાં અપર સર્કિટ

April 18, 2024

વૈશ્વિક શેરબજારોમાં સુધારાના સથવારે આજે સેન્સેક્સ અને નિફ્ટી સળંગ 3 દિવસ ઘટ્યા બાદ આજે ફરી પાછા સુધાર્યા છે. સેન્સેક્સે 73 હજારનું લેવલ પાછું મેળવ્યું છે, જ્યારે નિફ્ટી પણ 22300 તરફ આગળ વધી રહ્યો છે. 
આજે સેન્સેક્સ સુધારા સાથે ખૂલ્યા બાદ 411.16 પોઈન્ટ ઉછળી 722354.84ના લેવલે પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 22295ની ટોચ નોંધાવી હતી. 11.30 વાગ્યા સુધી સેન્સેક્સ 351.63 પોઈન્ટ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

શેરબજારમાં સુધારા સાથે આજે 11.32 વાગ્યા સુધીમાં રોકાણકારોની મૂડી 3.50 લાખ કરોડ વધી હતી. બીએસઈ ખાતે 271 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ, જ્યારે 171 સ્ક્રિપ્સ વર્ષની ટોચે પહોંચી હતી. સેન્સેક્સ પેકની 21 સ્ક્રિપ્સ 4 ટકા સુધી ઉછાળે અને 9 શેરો 4 ટકા સુધી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.

એશિયન બજારોમાં સાર્વત્રિક સુધારો જોવા મળ્યો છે. જ્યારે યુરોપિયન બજારોમાં મિક્સ વલણ જોવા મળ્યું છે. ડાઉ જોન્સ અને એસએન્ડપી500 ઈન્ડેક્સ ગઈકાલે મોટી વોલેટિલિટી બાદ નજીવા ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

આવતીકાલથી લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થવા જઈ રહ્યું છે. પ્રચાર અને વોટિંગ પોલના આધારે અપેક્ષિત સરકાર બનવાની શક્યતા વધી છે. જેને ધ્યાનમાં રાખતાં રોકાણકારોએ નીચા મથાળે ખરીદી વધારી હોવાનું જાણવા મળ્યું છે. આર્થિક આંકડાઓ પણ મજબૂત રહેવાની સાથે કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો પોઝિટીવ રહેવાના આશાવાદ સાથે બજારમાં સુધારો જોવા મળ્યો છે.

એફએમસીજી શેરોમાં પ્રોફિટ બુકિંગની અસરના કારણે ઈન્ડેક્સ 0.21 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે અન્ય તમામ ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં કારોબાર થઈ રહ્યા છે. વોડાફોન આઈડિયાનો એફપીઓ શરૂ થતાં શેરમાં 4 ટકા સુધીનો ઉછાળો નોંધાવાની સાથે અન્ય ટેલિકોમ શેરોમાં પણ સુધારો નોંધાતા ટેલિકોમ્યુનિકેશન્સ ઈન્ડેક્સ 2.57 ટકાથી વધુ ઉછાળા સાથે ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. ઓટો, કેપિટલ ગુડ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, રિયાલ્ટી, ટેક અને સર્વિસિઝ ઈન્ડાઈસિસ 1 ટકાથી વધુ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.