નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયાનો 'ગબ્બર' જાણીતી ટુર્નામેન્ટમાં ગુજરાતનું કરશે નેતૃત્વ, ફેન્સ પણ ચોંક્યા

September 18, 2024

ટીમ ઈન્ડિયાના પૂર્વ ધાકડ ઓપનર બેટ્સમેન શિખર ધવને થોડા દિવસ પહેલા જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. ત્યારબાદ હવે શિખર ધવન લીજેન્ડ લીગ ક્રિકેટ 2024ની ત્રીજી સીઝનમાં રમતો દેખાશે. આ વખતે લીજેન્ડ લીગ ક્રિકેટમાં શિખર ધવન અને દિનેશ કાર્તિક પ્રથમ વખત રમવા જઈ રહ્યા છે. દિનેશ કાર્તિકે પણ આ વખતે IPLમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. હવે લીજેન્ડ્સ લીગ ક્રિકેટ 2024 માટે તમામ ટીમોના કેપ્ટનના નામ પણ સામે આવી રહ્યા છે. શિખર ધવનને પણ એક ટીમે પોતાનો કેપ્ટન બનાવ્યો છે.  નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયાનો 'ગબ્બર' લીજેન્ડ લીગ ક્રિકેટમાં ગુજરાત ગ્રેટ્સનું નેતૃત્વ કરશે.  શિખર ધવનની લીજેન્ડ્સ લીગ ક્રિકેટ 2024ની આ પ્રથમ સિઝન છે અને તેને પહેલી જ સિઝનમાં કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. ગુજરાત ગ્રેટ્સે ધવનને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે, ધવન પાસે કેપ્ટનશિપનો સારો અનુભવ પણ છે. શિખરે લાંબા સમય સુધી IPLની કેપ્ટનશીપ કરી છે. IPL 2024માં ધવન પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો, પરંતુ ઈજાના કારણે ધવન આખી સિઝન રમી નહોતો શક્યો. બીજી તરફ પ્રથમ વખત લીજેન્ડ્સ લીગ ક્રિકેટ રમી રહેલા દિનેશ કાર્તિકને પણ કેપ્ટનશીપ મળી છે. લીજેન્ડ્સ લીગ ક્રિકેટ 2024ની શરૂઆત 20 સપ્ટેમ્બરથી થઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટમાં 25 મેચો રમાશે. જોધપુર ઉપરાંત આ વખતે જમ્મુ-કાશ્મીરમાં પણ મેચ રમાશે. આ ટુર્નામેન્ટની તમામ મેચો ચાર શહેરોમાં રમાશે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 26 ઓક્ટોબરના રોજ રમાશે.