સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટનો ઉછાળો:નિફ્ટીમાં પણ 140 પોઈન્ટની તેજી, તમામ સેક્ટરના શેર વધ્યા

September 12, 2024

 શેરબજારમાં આજે એટલે કે 12મી સપ્ટેમ્બરે ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 81,950ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

નિફ્ટી પણ 140 પોઈન્ટ ઉછળીને 25,060ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 વધી રહ્યા છે અને 11 ઘટી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 39 વધી રહ્યા છે અને 11 ઘટી રહ્યા છે.

એશિયાઈ બજારમાં જાપાનના નિક્કેઈમાં 2.77% અને કોરિયાના કોસ્પીમાં 1.55% ની તેજી છે. ત્યાં જ, હોંગકોંગના હેંગસેંગ 0.91% ચઢ્યો છે અને ચીનના શંઘાઈ કમ્પોઝિટ 0.11% ઘટ્યો છે.
11 સપ્ટેમ્બરના રોજ અમેરિકી બજારના ડાઓ જોન્સ 0.31% વધીને 40,861ના સ્તર પર બંધ થયો. ત્યાં જ, નેસ્ડેક 2.17% વધ્યો, તે 17,395 ના સ્તર પર બંધ થયો. S&P500 1.07% ની તેજી સાથે 5,554 પર બંધ થયો
NSE ના ડેટા પ્રમાણે, વિદેશી રોકાણકારો (FIIs) એ 11 સપ્ટેમ્બરના રોજ ₹1,755.00 કરોડના શેર વેચ્યા. આ દરમિયાન ઘરેલૂ રોકાણકારો(DIIs) એ પણ ₹230.90 કરોડના શેર ખરીદ્યા.
પીએન ગાડગીલ જ્વેલર્સના IPO માટે બિડ કરવાનો છેલ્લો દિવસ

PN ગાડગીલ જ્વેલર્સ લિમિટેડના IPO એટલે કે પ્રારંભિક જાહેર ઓફર માટે બિડ કરવાનો આજે છેલ્લો દિવસ છે. આ IPO 10 સપ્ટેમ્બરે ખોલવામાં આવ્યો હતો. બે દિવસમાં PN ગાડગીલ જ્વેલર્સનો IPO કુલ 7.11 વખત સબસ્ક્રાઈબ થયો છે.

રિટેલ કેટેગરીમાં IPO 7.28 ગણું, ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં 0.10 ગણું અને નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 16.09 ગણું સબસ્ક્રાઈબ થયું હતું. કંપનીના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર 17 સપ્ટેમ્બરે લિસ્ટ થશે.

ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
અગાઉ ગઈકાલે એટલે કે 11મી સપ્ટેમ્બરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 398 પોઇન્ટના ઘટાડા સાથે 81,523 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 122 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, તે 24,918ના સ્તરે બંધ થયો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 20 ઘટયા હતા અને 10 વધ્યા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 34માં ઘટાડો અને 16માં ઉછાળો હતો. નિફ્ટી એફએમસીજી સિવાય તમામ સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી.