શેરબજારની બુલ રન યથાવત્, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ

September 02, 2024

ભારતીય શેરબજારમાં તેજી સાથે સપ્તાહની શરૂઆત થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી ફરી નવી રેકોર્ડ ટોચે ખૂલ્યા બાદ ઉછાળા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ આજે 359.51 પોઈન્ટના ઉછાળા સાથે 81725.28ની ઓલટાઈમ હાઈ સપાટીએ ખૂલ્યા બાદ 11.15 વાગ્યે 304.85 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી પણ 25333.65ની ઐતિહાસિક ટોચે ખૂલ્યા બાદ 25314.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

317 શેર્સમાં અપર સર્કિટ

બીએસઈ ખાતે આજે સ્ટોક સ્પેસિફિક તેજીના પગલે સમાચાર લખાયા ત્યાં સુધીમાં 317 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે 253 શેર્સમાં લોઅર સર્કિટ નોંધાઈ હતી. 296 શેર્સ વર્ષની ટોચે અને 21 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. જો કે, પોઝિટિવ-નેગેટિવ ટ્રેન્ડ 50-50 જોવા મળ્યો હતો. કુલ ટ્રેડેડ 4032 શેર્સ પૈકી 1925માં સુધારો અને 1934 શેર્સ ઘટાડે કારોબાર થઈ રહ્યા હતા.

આજે તેજીના માહોલ વચ્ચે સ્મોલકેપ અને ટેલિકોમ શેર્સમાં પ્રોફિટ બુકિંગનું જોર વધ્યું હતું. ટેલિકોમ ઈન્ડેક્સ 11.19 વાગ્યે 1.63 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.21 ટકા ઘટ્યો હતો. આ સિવાય પીએસયુ, ઓટો, કેપિટલ ગુડ્સ, મેટલ, પાવર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

એનએસઈ ખાતે શેર્સની સ્થિતિ

 

શેર્સ છેલ્લો ભાવ સુધારો
BAJAJFINSV 1857 4.15
BAJFINANCE 7417.55 3.02
HCLTECH 1793.75 2.31
HEROMOTOCO 5568.2 2.07
ITC 511.55 1.92
શેર્સ છેલ્લો ભાવ ઘટાડો
TATAMOTORS 1091.3 -1.8
DRREDDY 6911 -1.71
HINDALCO 689.35 -1.71
M&M 2770.45 -1.25
WIPRO 533.25 -0.96

(નોંધઃ ભાવ સમાચાર લખાયા ત્યાં સુધીના)

શેરબજારમાં તેજી પાછળનું કારણ

વૈશ્વિક બજારોમાં પોઝિટિવ ટ્રેન્ડ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી છે. શુક્રવારે ડાઉ જોન્સ ઓલટાઈમ હાઈ પર બંધ રહ્યો હતો. આ સિવાય ઔદ્યોગિક ઉત્પાદનો વધ્યા છે. તેમજ સારા વરસાદના કારણે ગ્રામીણ માગમાં વધારો થવાના આશાવાદ વચ્ચે આર્થિક વૃદ્ધિ માટે સકારાત્મક સંકેતો જણાઈ રહ્યા છે. વધુમાં આરબીઆઈ આગામી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો ઘટાડવાની શરૂઆત કરશે તેવી શક્યતાઓ અર્થશાસ્ત્રીઓ દર્શાવી રહ્યા છે.