ICCનો ઐતિહાસિક નિર્ણય! હવે T20 વર્લ્ડકપમાં મહિલા અને પુરૂષ ટીમને ઈનામની રકમ સમાન

September 18, 2024

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. આઈસીસીએ હવે T20 વર્લ્ડકપમાં પુરૂષ અને મહિલા ખેલાડીઓને સમાન ઈનામી રકમ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ આઈસીસીની બધી જ ઇવેન્ટમાં જેટલી રકમ પુરુષોને અપાતી હતી, તેટલી જ રકમ હવે મહિલા ક્રિકેટરને આપવામાં આવશે. તેની શરૂઆત યુએઈમાં યોજાઈ રહેલા મહિલા T20 વર્લ્ડકપ 2024થી થઇ જશે. મહિલા T20 વર્લ્ડકપ 2024 એ પહેલી ટુર્નામેન્ટ હશે કે, જેમાં મહિલાઓને પુરૂષ જેટલી ઈનામી રકમ આપવામાં આવશે. ICCએ આ નિર્ણય જુલાઈ 2023માં વાર્ષિક સંમેલનમાં લીધો હતો. ICCની જાહેરાત બાદ UAEમાં યોજાનારા મહિલા T20 વર્લ્ડકપમાં વિજેતા ટીમને 2.34 મિલિયન યુએસ ડોલર મળશે. આ રકમ ભારતીય રૂપિયામાં લગભગ 20 કરોડ રૂપિયા જેટલી થાય છે. હવે વર્લ્ડકપની કુલ ઈનામી રકમ 79,58,080 યુએસ ડોલર થશે, જે ગયા વર્ષની કુલ 24 લાખ 50 હજાર યુએસ ડોલરની રકમ કરતાં 225 ટકા વધુ છે. આ વર્ષની શરૂઆતમાં પુરુષોના T20 વર્લ્ડકપ જીતવા બદલ ભારતને 2.45 મિલિયન યુએસ ડોલર ( 20 કરોડ 50 લાખ) ઇનામી રકમ આપવામાં આવી હતી. ICCના ચેરમેન ગ્રેગ બાર્કલેએ કહ્યું હતું કે, 'આ ક્રિકેટના ઈતિહાસમાં આ એક મહત્ત્વપૂર્ણ સમય છે, અને મને ખુશી છે કે હવે ICCની ઈવેન્ટ્સમાં ભાગ લેનારા પુરુષ અને મહિલા ક્રિકેટરોને હવે સમાન પુરસ્કાર આપવામાં આવશે. 2017થી અમે દર વર્ષે મહિલાઓની ઈવેન્ટ્સમાં ઈનામની રકમમાં વધારો કર્યો છે, જેનો સ્પષ્ટ ઉદેશ્ય સમાન ઇનામી રકમ આપવાનો હતો, હવેથી ICC મહિલા ક્રિકેટ વર્લ્ડકપ જીતવા માટેની ઈનામી રકમ ICC પુરૂષ ક્રિકેટ વર્લ્ડકપ જીતવા સમાન રહેશે. T20 વર્લ્ડકપ અને અંડર-19 માટે પણ ઈનામી રકમ સમાન રહેશે.' અગાઉ મહિલા T20 વર્લ્ડકપ દક્ષિણ આફ્રિકામાં યોજાયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાએ આ વર્લ્ડકપ જીત્યો હતો. તે સમયે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમને વર્લ્ડકપ જીતવા માટે 1 મિલિયન યુએસ ડોલર મળ્યા હતા, જેની કિંમત ભારતીય રૂપિયામાં અંદાજે 8 કરોડ થાય છે. પરંતુ હવે તેમાં 134 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે મહિલા T20 વર્લ્ડકપની રનર અપ ટીમને 1.17 મિલિયન યુએસ ડોલર જેટલી રકમ આપવામાં આવશે.