ક્યારેક થાય છે કે મારી ગાંડપણથી ભરેલી નોકરી છોડી દઉં- ટ્રુડોનું ચોંકાવનારુ નિવેદન

March 17, 2024

ઓટાવા- ભારત સાથે સબંધો બગાડી ચુકેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને હવે વડાપ્રધાન તરીકેની કામગીરી ગાંડપણ ભરી નોકરી લાગવા માંડી છે. ટ્રુડોએ ફ્રાંસના મીડિયાને આપેલા એક નિવેદનમાં કહ્યુ છે કે, મને રોજ થાય છે કે આ ગાંડપણભરી નોકરી છોડી દઉં. એક સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, હું એવો વ્યક્તિ નથી કે શરુ કરેલી લડાઈ અધવચ્ચે અટકાવી દઉં પણ હા મને એવુ ચોક્કસપણે લાગે છે કે, હું એક ગાંડપણભરી નોકરી કરી રહ્યો છુ, વ્યક્તિગત રીતે ઘણુ બધુ બલિદાન આપી રહ્યો છું. ચોકકસપણે મારુ કામ બહુ કપરુ છે અને ઘણી વખત સારુ પણ નથી લાગતું. અમે જે રસ્તા પર ચાલી રહ્યા છે તે અનિશ્ચિતતાથી ભરેલો છે.

દુનિયાભરમાં લોકશાહી દેશો પર હુમલા થઈ રહ્યા છે. ધ્યાન ખેંચનારી વાત છે કે, કેનેડામાં 2025માં ફરી ચૂંટણીઓ થશે અને તે પહેલા જેટલા પણ સર્વે થઈ રહ્યા છે તેમાં ટ્રુડોની હરીફ કન્ઝર્વેટિવ પાર્ટી આગળ ચાલી રહી છે અને મતદારોનો ટ્રુડોથી મોહભંગ થઈ રહ્યો હોવાનુ સર્વેમાં કહેવાઈ રહ્યુ છે ત્યારે જ ટ્રુડોએ આ પ્રકારનુ નિવેદન આપ્યુ છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ અત્યારથી જ એલાન કર્યું છે કે, અમે સત્તા પર આવ્યા તો જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીએ લોકો પર ઝીંકેલો કાર્બન ટેક્સ ખતમ કરીશું, દેશમાં મકાનોની અછતના સંકટને પણ દૂર કરીશું અને વધતી જતી ગુનાખોરી પર કાબૂ મેળવીશું. કેનેડામાં ટ્રુડોની સરકાર પહેલેથી નાંખી ચુકેલા કાર્બન ટેક્સમાં એક એપ્રિલથી વધારો કરવા જઈ રહી છે અને તેને રોકવા માટે કેનેડાના કેટલાક રાજ્યોએ અપીલ પણ કરી છે પરંતુ ટ્રુડો ટેક્સ વધારવા માટે મક્કમ છે.