છગ્ગાથી શરૂઆત, છગ્ગાથી ફિફ્ટી અને છગ્ગાથી જ સેન્ચુરી, ભારતના તોફાની બેટરની રેકોર્ડની વણઝાર

July 08, 2024

ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામેની T-20 સીરિઝમાં જોરદાર વાપસી કરી છે. 7મી જુલાઈ રવિવારના રોજ હરારેમાં રમાયેલી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમે બે વિકેટે 234 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 18.4 ઓવરમાં 134 રનમાં સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે ભારતે પાંચ મેચની સીરિઝ 1-1થી બરાબર કરી લીધી છે.  ઝિમ્બાબ્વે સામેની બીજી ટી-20 મેચમાં ભારતની જીતનો હીરો અભિષેક શર્મા રહ્યો હતો. તેની કારકિર્દીની બીજી જ ટી-20 માં 47 બોલમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 100 રનની ઇનિંગ રમી હતી.  અભિષેકે ઈનિંગની 14મી ઓવરમાં વેલિંગ્ટન મસાકાડજા સામે સતત ત્રણ સિક્સર ફટકારીને 46 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. જોકે, તે વેલિંગ્ટન મસાકાડઝાના બીજા જ બોલ પર તે આઉટ થયો હતો. પોતાની ડેબ્યૂ મેચમાં અભિષેક 4 બોલ રમીને પોતાનું ખાતું ખોલાવી શક્યો ન હતો. પરંતુ તેણે આ મેચમાં ધમાલ મચાવી દીધી હતી. અભિષેકે આ મેચમાં છગ્ગાથી પોતાનું ખાતું ખોલાવ્યું હતું. ત્યારપછી તેણે એક છગ્ગાથી ફિફ્ટી અને છગ્ગાથી સેન્ચુરી પૂરી કરી હતી. ટી-20 ઈતિહાસમાં આ એક મોટી સિદ્ધિ છે. જો જોવામાં આવે તો અભિષેકે તેના છેલ્લા 23 બોલમાં સાત છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી 72 રન બનાવ્યા હતા. જ્યારે અભિષેકે પ્રથમ 24 બોલમાં માત્ર 28 રન બનાવ્યા હતા.