ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારો, બે જૂથ આમને-સામને આવી જતા માહોલ તંગ

September 15, 2023

ઠાસરામાં શ્રાવણ મહિનાની અમાસને લઈને શિવજીની સવારી નીકળી હતી

મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

ઠાસરા- આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે. આજે શ્રાવણીય અમાસના દિવસે રાજ્યમાં ઠેર-ઠેર શિવજીની શોભા યાત્રાઓ નીકળતી જોવા મળે છે. તેવામાં ખેડા જિલ્લાના ઠાસરામાં શ્રાવણ મહિનાની અમાસને લઈને શિવજીની સવારી નીકળી હતી. આ દરમિયાન પથ્થરમારો થયો હતો, જેને લઈને બે જૂથના લોકો આમને-સામને આવી ગયા હતા. હાલ અહીં વાતાવરણ તંગ બનતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ પ્રશાસનનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઠાસરા, ડાકોર, સેવાલિયા સહિતની પોલીસ તેમજ જિલ્લાની LCB, SOG સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ખેડા જીલ્લા SP રાજેશ ગઢીયા, DySP ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર ઘટના અંગે તાગ મેળવ્યા છે.


ઠાસરામાં બનેલી ઘટના અંગે ધારાસભ્ય યોગેન્દ્રસિંહનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મને આ ઘટના અંગે માહિતી મળી છે. મેં આ ઘટના અંગે એસપી અને કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે વાતચીત કરી છે. આવું કૃત્ય કરનારા એક પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. પોલીસને કડક કાર્યવાહી કરવાના દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. જેથી ભવિષ્યમાં ફરી કોઈ વખત આ પ્રકારની ઘટના બંને નહીં. આ ઘટના બાદ સ્થિતિ અત્યારે કંટ્રોલમાં છે અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.