RSS નેતા ઈન્દ્રેશ કુમારના નિવેદન પર સ્વામી રામદેવે આપી પ્રતિક્રિયા

June 15, 2024

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ઈન્દ્રેશ કુમારે ભાજપનું નામ લીધા વગર નિશાન સાધ્યું છે. આ નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે અને અનેક નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યારે હવે યોગ ગુરુ સ્વામી રામદેવની પર પ્રતિક્રિયા સામે આવી છે. લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતા ઈન્દ્રેશ કુમારના નિવેદનને લઈને હોબાળો થઈ રહ્યો છે. RSSએ આ નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે. હવે યોગ ગુરુ બાબા રામદેવની પ્રતિક્રિયા આપતા કહ્યું કે 'ભગવાન રામ દરેકના છે અને દેશ પણ દરેકનો છે. દેશમાં વિભાજનના બીજ રોપવા એ રાષ્ટ્રની એકતા માટે સારું નથી.' હરિદ્વાર સ્થિત હરિ સેવા આશ્રમમાં ચાલી રહેલા સંત સંમેલનમાં બોલવા આવેલા યોગ ગુરુ સ્વામી રામદેવે કહ્યું કે 'વડાપ્રધાન મોદીએ છેલ્લા 10 વર્ષમાં તમામ લોકો માટે કામ કર્યું છે. પડકારો ગમે તે હોય, વડાપ્રધાન મોદી બધાનો સામનો કરીને આગળ વધશે.' રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ઈન્દ્રેશ કુમારે લોકસભા ચૂંટણીના પરિણામો પર સત્તાધારી ભાજપને 'અહંકારી' અને વિપક્ષ I.N.D.I.A ગઠબંધનને 'રામ વિરોધી' ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, 'રામ દરેક સાથે ન્યાય કરે છે. 2024ની લોકસભા ચૂંટણીને જોઈ લો.' જે પાર્ટીએ ભગવાન રામની પૂજા કરી, તે અહંકારી બની ગઈ, તેને 241 પર જ અટકાવી દેવામાં આવી, પરંતુ તેને સૌથી મોટી પાર્ટી બનાવવામાં આવી હતી.' તેઓ ઈશારામાં ભાજપ અને કોંગ્રેસ બંને સામે નિશાન તાકી ગયા હતા. જોકે પાછળથી ઈન્દ્રેશ કુમારે જાણે ફેરવી તોળ્યું હોય તેમ કહ્યું હતું કે 'રામની ભક્તિ કરનારા જ સત્તામાં છે. મોદી સરકારમાં દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે'. તેમણે પોતાના સવારના નિવેદન પર સ્પષ્ટતા કરતા આ ટિપ્પણી કરી હતી.