ચીન અને પાક.ની ખબર લઈ નાખે તેવા ટેક્ટિકલ બેલાસ્ટિક મિસાઈલ્સ ભારતીય સેનામાં સામેલ

September 19, 2023

નવી દિલ્હી : ભારતીય સેનાની પ્રહાર શક્તિને પ્રબળ બનાવનાર સ્વનીર્મિત પ્રલય મિસાઇલ્સ ભારતીય ભૂમિદળને આજે વિધિવત આપવામાં આવ્યાં છે. આ બેલાસ્ટિક મિસાઈલ્સ હવે ચીન સાથેની એકચ્યુઅલ લાઇન ઓફ કન્ટ્રોલ અને પાકિસ્તાન સાથેની લાઇન ઓફ કન્ટ્રોલ (એલ.ઓ.સી.) ઉપર ગોઠવવામાં આવનાર છે.આ પ્રલય મિસાઇલ્સ ૧૫૦ કી.મી.થી શરૂ કરી ૫૦૦ કી.મી. સુધી અચૂક પ્રહાર કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. તેટલું જ નહીં પરંતુ તેમની ગતિ એટલી પ્રવેગી છે કે તેથી તે 'ઈન્ટર સેપ્ટર' મિસાઇલ્સને પણ પાછા પાડી શકે તેમ છે. અને હવામાં કેટલોક પંથ કાપ્યા પછી તે તેના 'પ્રવાસ' દરમિયાન જરૂર પ્રમાણે તેનો ગતિમાર્ગ પણ બદલી શકે તેમ છે. આ તે મિસાઇલ્સની અદ્ભૂત વિશિષ્ટતા છે.
તે સર્વવિદિત છે કે પૂર્વે અને ઉત્તરે તથા ઉત્તર પૂર્વે ભારતની ભૂમિ ઉપર ચીનનો ડોળો છે તો પશ્ચિમ ઉત્તરે અને પશ્ચિમે પાકિસ્તાન ખાવા ધાન પણ ન હોવા છતાં ભારત સાથે બાથ ભીડી રહ્યું છે. તેવે સમયે ભારતનાં ડીફેન્સ એન્ડ રીસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને (ડીઆરડીઓએ) આ 'પ્રલય' બેલાસ્ટિક મિસાઇલ્સ બનાવી ભારતની પ્રહાર ક્ષમતા ઘણી વધારી દીધી છે. તે સર્વવિદિત છે કે પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ અતિ કંગાળ થઈ ગઈ છે. પૂર્વે ચીનનું પણ અર્થતંત્ર તૂટી રહ્યું છે તે પાકિસ્તાનને અનિવાર્ય તેટલી પણ આર્થિક કે લશ્કરી સહાય કરી શકે તેમ નથી. ચીનમાં મંદી અને બેકારી કેર વરસાવે છે. તેવે સમયે આ બંને દેશો પ્રજાનું ધ્યાન બીજે દોરવા 'છમકલા' અને તે પણ મોટા પાયે 'છમકલા' કરશે જ તેવી ભારતની પાકી ગણતરી છે. જાસૂસી માહિતિઓ પણ તે તરફ ધ્યાન દોરે છે. તેવે સમયે ભારતે માત્ર સાવચેત જ નહીં સંપૂર્ણ સજ્જ રહેવું અનિવાર્ય છે. તેથી આ 'પ્રલય' બેલાસ્ટિક મિસાઇલ્સ આપણા માટે જરૂરી બન્યાં છે.