‘આંખમાં મરચું નાખી કપડાં ફાડી નાખ્યા...’ સાવલીના સરકારી દવાખાનામાં આશા વર્કર સાથે દુષ્કર્મનો પ્રયાસ

May 21, 2025

વડોદરા જિલ્લાના સાવલીમાં ધોળે દહાડે સરકારી દવાખાનામાં ઘૂસીને આશા વર્કર બહેન સાથે દુષ્કર્મનો પ્રયાસ આચરવામાં આવ્યો છે. પીડિતા આશા વર્કર બહેને આરોપ લગાવ્યો હતો કે આરોપી તેમનો પરીચિત છે અને તેમને દુશ્મન ગણે છે. તે વારંવાર આ પ્રકારની હરકતો કરી રહ્યો છે. આરોપી પાનના ગલ્લાની આડમાં બે નંબરી ધંધો ચલાવતો હોવાનો પીડિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. 

સાવલીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સાવલીમાં આવેલા સરકારી આરોગ્ય કેન્દ્રમાં ઘૂસીને મહિલાને માર મારીને તેના પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવાનો યુવક પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. હવે યુવક વિરૂદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે? તેના પર સૌ કોઇની નજર રહેશે.

પીડિતાએ જણાવ્યું કે, 'હું મારી ફરજ પર હતી, તે દરમિયાન તેણે મારી આંખમાં મરચું છાંટીને પાડી દીધી હતી અને પછી મને ખુબ માર માર્યો હતો.જેના કારણે મારા મોઢા પર ઘણી ઇજાઓ થઇ છે. તેને કડકમાં કડક સજા થવી જોઇએ. નહીં તો મને સોંપી દો, જેવી મારી હાલત થઇ, એવી મારે તેની હાલત કરવાની છે.' 

પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે યુવક સાથે અમારો પારિવારીક સંબંધ છે. તે વારંવાર આ હરકત દોહરાવી રહ્યો છે. તેનું નામ મિત જયેશ પટેલ છે, તે પાનના ગલ્લાની આડમાં તે ખોટા ધંધા ચલાવી રહ્યો છે. તેનો બે નંબરનો ધંધો છે, હું તેને બુટલેગર તરીકે જ ઓળખું છું. તેની જોડે કોઇ પણ સંબંધ નથી, તે અમને દુશ્મન ગણે છે.