રાજધાનીમાં ફરી હવા ઝેરી, શ્વાસ લેવો બન્યો મુશ્કેલ, AQI 371 પહોંચ્યો

November 03, 2025

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ફરી એકવાર ખતરનાક સપાટીએ પહોંચી ગયું છે. સોમવારની સવારે રાજધાનીનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) વધી ને 371 નોંધાયો, જે ‘ખૂબ ખરાબ (Very Poor)’ શ્રેણીમાં આવે છે. શિયાળાની શરૂઆત સાથે જ દિલ્હીની હવા વધુ ઝેરી બનતી જાય છે, જેના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર, આનંદ વિહાર, જહાંગીરપુરી, પટપડગંજ અને દ્વારકા જેવા વિસ્તારોમાં AQI 390થી પણ વધુ નોંધાયો છે, જ્યારે કેટલીક જગ્યાએ તે 400 પાર કરીને ‘ગંભીર (Severe)’ સ્તર સુધી પહોંચી ગયો છે. હવામાં PM2.5 અને PM10ના સ્તર ખતરનાક રીતે વધ્યા છે, જે શ્વાસની બીમારીઓનું મુખ્ય કારણ છે.

વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, આ સમયગાળા દરમિયાન પ્રદૂષણ વધવાનું મુખ્ય કારણ છે પરાળી સળગાવવી, વાહનોમાંથી નીકળતો ધૂમાડો, બાંધકામની ધૂળ, અને ઠંડી હવાનો અભાવ જેના કારણે પ્રદૂષક તત્ત્વો વાતાવરણમાં ફસાઈ જાય છે. સાથે જ પવનની ધીમી ગતિ ચાલવાના કારણે ધુમ્મસની ચાદર છવાય છે.