21મી સદીનો સૌથી મોટો ચમત્કાર, હવે જન્મજાત નેત્રહીન પણ દુનિયા જોઈ શકશે, મસ્કની કંપનીનો દાવો

September 18, 2024

ઈલોન મસ્કની ન્યુરાલિંક 'બ્લાઈન્ડસાઈટ ચિપ' એ 21મી સદીનો સૌથી મોટો ચમત્કાર કરી દેખાડ્યો છે. આ ચિપ દ્વારા હવે એવા લોકો પણ વિશ્વને જોઈ શકશે જેઓ જન્મથી જ નેત્રહીન છે અથવા જેમણે પોતાની ઓપ્ટિક નર્વ એટલે કે ઓપ્ટિક તંત્રિકા ગુમાવી દીધી છે. આ ચિપને નેત્રહીનોમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવશે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (FDA) એ ઈલોન મસ્કની ન્યુરાલિંકને 'બ્લાઈન્ડસાઈટ' ચિપ ઈમ્પ્લાન્ટ કરવાની મંજૂરી આપી દીધી છે. આ માટે FDA દ્વારા બ્લાઈન્ડસાઈટ ચિપને બ્રેકથ્રુ ડિવાઈસ ટેગ આપવામાં આવ્યો છે.

અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ ઈલોન મસ્કની બ્રેન-ચિપ સ્ટાર્ટઅપ ન્યૂરાલિંકે મંગળવારે કહ્યું કે, દ્રષ્ટિ પુનઃસ્થાપિત કરવાના હેતુથી કરવામાં આવેલા અમારા પ્રાયોગિક પ્રત્યારોપણને અમેરિકન એફડીએનો 'બ્રેકથ્રુ ડિવાઈસ' ટેગ મળ્યો છે. તમને જણાવી દઈએ કે, એફડીએનો બ્રેકથ્રુ ટેગ કેટલાક એવા તબીબી ઉપકરણોને આપવામાં આવે છે જે જીવન માટે જોખમી પરિસ્થિતિઓની સારવાર અથવા નિદાન કરવામાં સક્ષમ હોય છે. તેનો હેતુ વિકાસમાં તેજી લાવવાનો અને વર્તમાનમાં વિકાસ હેઠળના ઉપકરણોની સમીક્ષા કરવાનો છે. 


ઈલોન મસ્કે બ્લાઈન્ડસાઈટ ચિપને FDAનું અપ્રૂવલ મળી ગયા બાદ X પોસ્ટ કરીને લખ્યું કે, બ્લાઈન્ડસાઈટના નામથી ઓળખાતા આ પ્રાયોગિક ઉપકરણ એ લોકોને પણ દોવામાં સક્ષમ બનાવી દેશે જેમણે પોતાની બંને આંખો અને ઓપ્ટિક તંત્રિકા ગુમાવી દીધી છે. જોકે, ન્યુરાલિંકે બ્લાઈન્ડસાઈટ ડિવાઈસના માનવ પરીક્ષણમાં જવાની અપેક્ષા વિશે વિવરણ માગવા માટેની વિનંતીનો તેણે તાત્કાલિક જવાબ ન આપ્યો. તમને જણાવી દઈએ કે, મસ્ક અને એન્જિનિયરોના એક ગ્રુપ દ્વારા 2016માં સ્થપાયેલ ન્યુરાલિંક એક બ્રેઈન ચિપ ઈન્ટરફેસનું નિર્માણ કરી રહી છે જેને ખોપડીની અંદર ઈમ્પ્લાન્ટ કરી શકાય છે. આ અંગે મસ્કે કહ્યું કે, આ વિકલાંગ દર્દીઓની દ્રષ્ટિ પુનઃસ્થાપિત કરી શકે છે અને સાથે સાથે તેઓને ફરીથી ચાલવા અને વાતચીત કરવા સક્ષમ બનાવી શકે છે.

ન્યુરાલિંકના ઉપકરણમાં એક ચિપ હોય છે જે તંત્રિકા સંકેતોની પ્રક્રિયા અને પ્રસારણ કરે છે, જેને કમ્પ્યુટર અથવા ફોન જેવા ઉપકરણોમાં ટ્રાન્સમિટ કરી શકાય છે. આ સ્ટાર્ટઅપ અલગથી એક ઈમ્પ્લાન્ટનું પરીક્ષણ કરી રહ્યું છે જે લકવાગ્રસ્ત દર્દીઓને એકલા વિચારવાથી ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરવાની ક્ષમતા આપે છે. તેનાથી એક સંભાવના છે જે કરોડરજ્જુની ઈજાઓ ધરાવતા દર્દીઓને મદદ કરી શકે છે.

અમેરિકન સરકારના ક્લિનિકલ ટ્રાયલ્સ ડેટાબેઝની વિગતો પ્રમાણે આ ટ્રાયલમાં તેના ઉપકરણનું મૂલ્યાંકન કરવા માટે ત્રણ દર્દીઓની નોંધણી કરવાની અપેક્ષા છે, જેને પૂર્ણ થવામાં ઘણા વર્ષો લાગી શકે છે. આ વર્ષની શરૂઆતમાં ન્યુરાલિંકે ડિવાઈસને બીજા દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કર્યું હતું, જે તેનો ઉપયોગ વિડિયો ગેમ્સ રમવા અને 3D ઓબ્જેક્ટ ડિઝાઈન કરવાની પદ્ધતિ શીખવામાં કરી રહ્યા છે.