પરિણામ આવે તે પહેલા જ ગુજરાતમાં ભાજપે આ તૈયારી શરૂ કરી, દિલ્હીથી આદેશ

December 06, 2022

ભાજપની તૈયારીઓ, મંત્રીપદ માટેનુ લોબીંગ પણ શરૂ


કમુરતા પહેલા શપથવિધિ યોજવાની સૂચના દીલ્હીથી આવી ગઈ.

ગાંધીનગર- એક દિવસ પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે. મત ગણતરી પહેલાના બે દિવસ અગાઉથી જ ભાજપ દ્રારા નવા મુખ્યમંત્રીનો શપથવિધિ સમારોહ યોજવાની તેયારીઓ પૂરજોશમાં ચાલુ થઈ ગઈ છે. સંભવતઃ આગામી રવિવારે અથવા તો સોમવારે ગુજરાતને નવા મુખ્યમંત્રી મળી રહેશે. જો કે, હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને જ ફરીથી મુખ્યમંત્રીપદે બેસાડવાનું નક્કી છે. કમુરતા પહેલા નવી સરકારના મંત્રીઓનો શપથવિધિ સમારોહ યોજાઈ જાય તેવી ગણતરી છે.

મત ગણતરીના બે દિવસમાં જ ચૂંટણી પંચ સત્તાવાર રીતે પરિણામની જાહેરાત કરી દેશે. ત્યાર બાદ રાજ્યપાલ બહુમતિ ધરાવતા પક્ષને સરકાર રચવાનુ આમંત્રણ આપશે. આ ફોર્માલીટી લગભગ બેથી ત્રણ દિવસમાં પૂરી થઈ જશે. કમુરતા પહેલા શપથવિધિ યોજવાની સૂચના દીલ્હીથી આવી ગઈ છે. જેને પગલે ભાજપના નેતાઓ પણ અંદરખાનેથી મુખ્ય સચિવ સાથે વાતચીત કરીને શપથવિધિ સમારોહ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 8મીએ પરિણામની જાહેરાત બાદ જરાય સમય બગાડવામાં નહી આવે. મુખ્યમંત્રીની સાથે અન્ય કેટલાક સિનિયર ધારાસભ્યોને પણ કેબિનેટ મંત્રીપદના શપથ લેવડાવવા કે તમામ મંત્રીઓને શપથ લેવડાવવા તેની વિચારણા ચાલી રહી છે. રીઝલ્ટ બાદ તેનો નિર્ણય કરાશે. દરમિયાનમાં કેટલાક પૂર્વ મંત્રીઓ અને સિનિયર ધારાસભ્યોએ પણ પોતાને મંત્રીપદ મળે તે માટેનુ લોબીંગ શરૂ કરી દીધુ છે.