રામબનમાં વાદળ ફાટવાથી સર્જાઇ તબાહી, અનેક લોકો થયા બેઘર

April 21, 2025

જમ્મુ અને કાશ્મીરમાં હવામાનમાં પલટાને કારણે છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. આ વરસાદે લોકો પર ભારે તબાહી મચાવી છે. રામબન જિલ્લાના બાગના વિસ્તારમાં વરસાદ પછી વાદળ ફાટવાની ઘટના બની હતી. આના કારણે 3 લોકોના મોત થયા. ઘણી ઇમારતો અને વાહનોને નુકસાન થયું છે.

ઘણી જગ્યાએ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. આ વિસ્તારના લોકોને માત્ર એક જ રાતમાં મોટું નુકસાન થયું છે. ઘણા લોકોના ઘર અને દુકાનો સંપૂર્ણપણે નાશ થયા છે. અચાનક વાદળ ફાટવાના કારણે સામાન્ય લોકોના જનજીવન પર ભારે અસર પડી છે. વિસ્તારના લોકો સરકારને વિનંતી કરી રહ્યા છે કે તેમના ઘર અને દુકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. લોકો કહે છે કે એક જ રાતમાં પડેલા વરસાદે તેમને તબાહ કરી દીધા છે.

એસએસપી રામબન કુલબીર સિંહે જણાવ્યું હતું કે તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને ધાર્મિક સ્થળ પરથી લગભગ 100 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે અધિકારીઓ સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છે જેથી જરૂર પડે ત્યાં તાત્કાલિક બચાવ કામગીરી સુનિશ્ચિત કરી શકાય. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે રામબનમાં નુકસાનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 બંધ છે.