જેડી વાન્સે પરિવાર સાથે આમેર કિલ્લો, હવા મહેલની મુલાકાત લીધી

April 22, 2025

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેમ્સ ડેવિડ (જેડી) વાન્સ તેમની પત્ની ઉષા અને ત્રણ બાળકો સાથે ભારતની ચાર દિવસની મુલાકાતે છે. તેઓ ગઈકાલે રાત્રે જયપુર પહોંચ્યા અને રામબાગ પેલેસમાં રોકાયા. આજે સવારે તેઓ પોતાના પરિવાર સાથે આમેર કિલ્લો જોવા ગયા હતા. વાન્સ અને તેના પરિવારની સુરક્ષા માટે 2400 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. અમેરિકી ઉપરાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર જયપુર શહેરને શણગારવામાં આવ્યું છે.

તેમને હાથી સ્ટેન્ડથી ખાસ ઇલેક્ટ્રિક ગાડીમાં આમેર કિલ્લાની અંદર લઈ જવામાં આવ્યા. તેમણે અને તેમના પરિવારે ઇ-કાર્ટમાંથી જ કિલ્લાના બાહ્ય ભાગો, માવઠ સરોવર (આમેર કિલ્લાની નીચે બનેલ કૃત્રિમ તળાવ) અને કેસર ક્યારી બગીચાની મુલાકાત લીધી. આ પછી, યુએસ ઉપરાષ્ટ્રપતિ ઇ-કાર્ટ દ્વારા જલેબી ચોક ગયા, જ્યાં બે હાથીઓ પુષ્પા અને ચંદાએ તેમનું અને તેમના પરિવારનું સ્વાગત કર્યું હતું.

આ બંને હાથણીઓ પરંપરાગત ઘરેણાં અને પોશાકથી શણગારેલી હતી. રાજસ્થાની લોક કલાકારોએ પોતાનું પ્રદર્શન રજૂ કર્યુ જેડી વાન્સે તેમના પરિવાર સાથે લગભગ એક કલાક માટે આમેર કિલ્લાની મુલાકાત લીધી અને એક ગાઇડની મદદથી તેના ઇતિહાસ વિશે જાણ્યું. તેમણે કિલ્લા પર તેમની પત્ની ઉષા અને બાળકો સાથે ફોટોગ્રાફી પણ કરાવી. કિલ્લા સંકુલમાં સ્થિત 1135 AD રેસ્ટોરન્ટમાં તેમના માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં ચાંદીના સિંહાસન પર વાન્સ અને પરિવારને રાજસ્થાની ભોજન પીરસવામાં આવતું હતું.