યુદ્ધ નહીં રોકો તો વેપાર નહીં કરીએ, ત્યારે સીઝફાયર થયું: ટ્રમ્પ

May 12, 2025

વોશિંગ્ટન : ભારતના જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદીઓના અડ્ડા ધ્વસ્ત કર્યા જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ કાર્યવાહી બાદ પાકિસ્તાની સેનાએ અનેક વખત ભારત પર ડ્રોન અને મિસાઇલથી હુમલા કરવાના નિષ્ફળ પ્રયાસ કર્યા જેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના અનેક એરબેઝ નષ્ટ કર્યા. જોકે બંને દેશો હવે સંઘર્ષ વિરામ માટે તૈયાર થયા છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી મોટો દાવો કર્યો છે. 
વોશિંગ્ટનમાં પત્રકાર પરિષદમાં ટ્રમ્પે કહ્યું છે, કે 'મારી સરકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરમાં મદદ કરી. મેં બંને દેશોને કહ્યું કે જો તમે રોકાશો નહીં તો અમેરિકા તમારી સાથે કોઈ વેપાર નહીં કરે. જે બાદ બંને દેશો રોકાયા. મારી સરકારે પરમાણુ યુદ્ધ થતાં અટકાવ્યું, મને લાગે છે કે ખતરનાક પરમાણુ યુદ્ધ થયું હોત જેમાં લાખો લોકો માર્યા ગયા હોત. મને ગર્વ છે કે સીઝફાયરમાં મદદ કરી. ઉપપ્રમુખ જે ડી વેન્સ અને વિદેશ મંત્રી રૂબિયોનો આભાર.' ટ્રમ્પે વધુમાં કહ્યું હતું, કે સ્થિતિ અત્યંત ગંભીર હતી. બંને દેશોની નેતૃત્વ ક્ષમતા અને સમજદારીના કારણે પરિસ્થિતિ સારી થઈ. 


નોંધનીય છે કે જે દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત થઈ ત્યારે પણ ટ્રમ્પે આ જ પ્રકારનો દાવો કર્યો હતો.   ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધવિરામનો દાવો કર્યો હતો. જોકે ભારત દ્વારા અપાયેલા સત્તાવાર નિવેદનમાં ક્યાંય અમેરિકાનું નામ લેવામાં આવ્યું નથી અને કહેવાયું છે કે આ યુદ્ધવિરામ કરવામાં ત્રીજા કોઈ દેશનો હાથ નથી.

ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ યુદ્ધવિરામની જાહેરાત કરતાં કહ્યું છે, કે 'પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઓફ મિલીટરી ઓપરેશન (DGMO)એ ભારતના DGMOને બપોરે 3.35 વાગ્યે ફોન કર્યો હતો. જે બાદ બંને દેશો જમીન, વાયુ અને સમુદ્રમાં સાંજે 5.00 વાગ્યાથી ફાયરિંગ અને સૈન્ય કાર્યવાહી બંધ કરવા તૈયાર થયા. બંને દેશોના DGMO 12મી તારીખે બપોરે 12 વાગ્યે ફરી વાતચીત કરશે.'