PM મોદીના નિવાસે ફરી મોટી બેઠક, ત્રણેય સૈન્ય પ્રમુખ સાથે રાજનાથ-CDS પણ પહોંચ્યા

May 12, 2025

22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું. પડોશી દેશે પણ જવાબી હવાઈ હુમલા કર્યા, જેને ભારતે નિષ્ફળ બનાવ્યા. બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે શનિવારે સાંજે યુદ્ધવિરામનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ હવે પરિસ્થિતિ સામાન્ય છે. એવામાં ત્રણેય સેનાના પ્રમુખ વડપ્રધાનને મળવા વડપ્રધાનનિવાસ પહોંચ્યા છે. તેમજ આજે બંને દેશોના ડીજીએમઓ વચ્ચે પણ ચર્ચા થશે. જેમાં  શાંતિ જાળવવા અંગે ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત યુદ્ધવિરામ ઉલ્લંઘન પર પણ ભારત પ્રશ્નો પૂછી શકે છે. પીએમ મોદી સાથેની બેઠકમાં સીડીએસ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાના વડાઓ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમજ એનએસએ અજિત ડોભાલ પણ ભાગ લઈ રહ્યા છે. ત્રણેય સેના પ્રમુખ અને સીડીએસ અનિલ ચૌહાણ વડપ્રધાનનિવાસ પહોંચી ગયા છે. વડપ્રધાન મોદી સેના પ્રમુખો સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરશે. આ બેઠક ભારત અને પાકિસ્તાન વચ્ચે ડીજીએમઓ સ્તરની વાટાઘાટો પહેલા થઈ રહી છે. આવી સ્થિતિમાં આ બેઠકને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
યુદ્ધવિરામ પરના કરાર બાદ, આજે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે બેઠક યોજાશે. ભારતના ડીજીએમઓ રાજીવ ઘાઈ અને પાકિસ્તાનના મેજર જનરલ કાશિફ ચૌધરી બપોરે 12 વાગ્યે મહત્ત્વપૂર્ણ વાતચીત કરશે. આ બેઠક 10 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત બાદ યોજાવા જઈ રહી છે. જેમાં  શાંતિ જાળવવા અંગે ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત યુદ્ધવિરામ ઉલ્લંઘન પર પણ ભારત પ્રશ્નો પૂછી શકે છે.