'એન્જિન ખરાબ નહોતું, મેન્ટેનન્સ કર્યું હતું', અમદાવાદ પ્લેન ક્રેશના રિપોર્ટ પર એર ઇન્ડિયાના CEOની પ્રથમ પ્રતિક્રિયા

July 14, 2025

12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. અકસ્માતના એક મહિના પછી, શનિવારે (12 જુલાઈ) પ્રારંભિક તપાસનો રિપોર્ટ આવ્યો હતો. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો(AAIB)ના રિપોર્ટ આવ્યાના બે દિવસ પછી એટલે કે આજે એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સનની પ્રતિક્રિયા સામે આવી છે. વિલ્સને કહ્યું - AAIBના રિપોર્ટમાં પ્લેન કે એન્જિનમાં કોઈ ટેકનિકલ કે મેઇન્ટેનન્સ સંબંધિત સમસ્યા જોવા મળી નથી. તમામ મેઇન્ટેનન્સ કાર્ય કરવામાં આવ્યું હતું. એર ઇન્ડિયાના CEO વિલ્સને જણાવ્યું હતું કે, 'એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રારંભિક તપાસ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે ગયા મહિને થયેલા પ્લેન ક્રેશમાં પ્લેનમાં કોઈ મેઇન્ટેનન્સ સમસ્યા નહોતી કે એન્જિનમાં પણ કોઈ ખામી નહોતી. પ્લેનમાં તમામ ફરજિયાત મેઇન્ટેનન્સ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા હતા. ઇંધણની ગુણવત્તા અને ટેક ઑફ રોલમાં પણ કોઈ અસામાન્યતા જોવા મળી ન હતી. પાયલટ્સે ઉડાન પહેલાં તમામ બ્રેથલાઇઝર પરીક્ષણો પાસ કર્યા હતા. તેમની તબીબી તપાસ દરમિયાન પણ કંઈ ચિંતાજનક મળ્યું નથી.' કેમ્પબેલ વિલ્સને વધુમાં કહ્યું કે, 'DGCAની દેખરેખ હેઠળ એર ઇન્ડિયાના બધા બોઇંગ 787 વિમાનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તે બધા ઉડાન માટે યોગ્ય જણાયા હતા. તપાસ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે અને પ્રારંભિક રિપોર્ટમાં હજુ સુધી કોઈ કારણ કે ભલામણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તેથી હાલ કોઈ તારણ કાઢવું જોઈએ નહીં.'